સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

વાંકાનેરમાં રવિવારથી પાઉં પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંંભ થશે

વ્યાસપીઠ પર શાસ્ત્રીજી પૂ. ભાવેશભાઇ પંડયા (મુખ્યાજી) બીરાજશે

ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં દાન-પુણ્ય-કથાઓ સાથે પિતૃદેવોના મોક્ષાર્થના કાર્યો કરવા તે હિન્દુ ધર્મ -સંસ્કૃતિમાં અનેકગણુ પુણ્ય પ્રાપ્તી ભર્યું રહેલું છે અને અનેક સંસ્થાઓ પરિવારો ભાગવત સપ્તાહનું પાન કરી પુણ્યનું ભાથુ બાંધે છે. ગૌલોકવાસ ગીરધરદાસ દ્વારકાદાસ પાઉં, ગૌલોકવાસ કલાવંતીબેન ગીરધરદાસ પાઉં તથા પાઉં પરિવારના સર્વે પિતૃઓના આત્મા મોક્ષાર્થે અત્રેના રામચોકમાં આવેલ શ્રી બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં તા. ર૮-૪-૧૯થી તા. ૪-પ-૧૯ સુધી દરરોજ સવારે ૯-૩૦થી ૧ર-૩૦ તથા સાંજે ૪-૦૦થી ૭-૦૦ વાગ્યા સુધીનું ભવ્ય આયોજન પાઉં પરિવાર તેમજ ગૌલોકવાસ ગીરધરદાસ પાઉંની પુત્રીઓ શિલાબેન અશ્વિનકુમાર કારીયા, મીનાબેન રમેશકુમાર બુદ્ધદેવ , હીનાબેન કેતનકુમાર રાયચુરા દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં વ્યાસપીઠ પર રાજકોટવાળા આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય પ.પૂ. શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઇ એલ. પંડયા (મુખ્યાજી દાદા) બીરાજમાન થઇ સંગીતમય શૈલીમાં પોતાના મધુર કંઠે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું રસપાન કરાવશે. તા. ર૮ના સવારે ૧૦ વાગ્યે અત્રેની શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલીએથી વાજતે ગાજતે પોથીયાત્રા પ્રસ્થાન થશે જે દરબારગઢ રોડ, પ્રતાપ ચોક થઇને 'કૃષ્ણ કુંજ' કથા સ્થળે પહોંચશે.

પોથીયાત્રામાં હવેલીના મુખ્યાજી ઉપરાંત લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ જુદી જુદી ધાર્મિક સંસ્થાના મહંતો પાઉં પરિવાર તથા આમંત્રીતો બહોળી સંખ્યામાં જોડાશે તેમજ કથામાં આવતા પાવન પ્રસંગો શ્રી નૃસિંહ પ્રાગટય, વામનજી પ્રાગટય, શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ), માખણચોરી લીલા-દાણલીલા, શ્રી ગોવર્ધનલીલા (અન્નકુટ દર્શન), રૂક્ષ્મણી વિવાદ સહીતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે સાથે ઝાંખી દર્શન સહિતના ધર્મકાર્યો કથા સ્થળે ભાવિકોને વકતા દ્વારા કરાવવામાં આવશે.

પૂ. શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઇ એલ. પંડયા (મુખ્યાજી દાદા)ને સાંભળવા એ પણ જીવનનો એક લાહવો છે ત્યારે આ ભકિતરસ ભર્યા કથા પ્રસંગમાં સર્વે ભાવિકોને કથા શ્રવણ કરવા નિમંત્રણ સાથે પાઉં પરિવારે યાદીમાં જણાવ્યું છે.

(11:43 am IST)