સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th April 2019

દમણમાં મોરબીના નિલેશ પટેલના શંકાસ્પદ મોત મામલે સીબીઆઇ તપાસની માંગણી

મોરબી પોલીસના ત્રાસના કારણે નિલેશ દમણ ભાગી ગયા બાદ લાશ મળી આવી'તીઃ પિતા કિશોર પટેલની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તા. ર૬ :.. મોરબીના યુવાનના દમણ ખાતે થયેલ શંકાસ્પદ મોતના પ્રકરણમાં મૃતક યુવાનના પિતાએ પોતાના પુત્રને મોરબી સ્થાનીક પોલીસ હેરાનગતિ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કરી આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને સમગ્ર બનાવની સીબીઆઇ દ્વારા તપાસ કરાવી યોગ્ય ન્યાય અપાવવા માંગ કરી છે.

મોરબીના કુબેરનગર પાસેની રોયલ પાર્ક શેરી નં. ૧ માં રહેતા કિશોરભાઇ સવજીભાઇ પટેલે મુખ્યમંત્રીને લેખિતમાં કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર નિલેશભાઇ પાસે મોરબીના સ્થાનિક પોલીસ લાંચ માગણી હોવાનું અને માર મારતી હોવાનું જણાવવા સાથે આ બાબતે પોતે એસીબીના ડાયરેકટરને રજૂઆત કરી હતી.

પરંતુ એસીબીએ કોઇ કાર્યવાહી ન કર્યાના આક્ષેપ કર્યા છે તેમણે વધુમાં જણાવ્યા મુજબ સ્થાનીક પોલીસ વિરૂધ્ધ રેકોડીંગના પુરાવા હોવા છતાં કોઇ પગલા નહીં લેવાતા, અને પોતાના પુત્ર પર પોલીસ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા તેનો પુત્ર પોલીસની બીકથી ઘેરથી ભાગી ગયો હતો.

તે દરમિયાન ગત તા. ૧૮-૬-ર૦૧૮ ના રોજ તેના પુત્ર નિલેશની દમણ ખાતેથી લાશ મળી આવી હતી. ત્યારે આ પુત્રના શંકાસ્પદ મોતના મામલે સ્થાનીક પોલીસ પર સંડોવણીનો આક્ષેપકરી તપાસ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીને અરજીકરી હતી. પરંતુ પોલીસે ફરીયાદ નોંધી ન હોવાનું જણાવીને આ કેસની સીબીઆઇ દ્વારા તપાસ કરાવી પોતાને યોગ્ય  ન્યાય અપાવવા કિશોરભાઇએ સી. એમ.ને રજૂઆત કરી છે.

(11:42 am IST)