સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જુનાગઢ દાણાપીઠમાં લોકોની ભીડ વધતા એસપી સૌરભસિંઘ દોડી ગયા અને વેપારી સાથે કરી ચર્ચા

જુનાગઢ, તા. ર૬ : જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી દ્વારા લોકડાઉન સંદર્ભે હુકમ જારી કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં સમય નિશ્ચિત કરાતા ગઇકાલે દાણાપીઠમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળલ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા દાણાપીઠ વિસ્તારમાં ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. તેમાં અનાજ કરીયાણુ વગેરે ખરીદવામાં લોકોની ભીડ વધતા ખુદ જુનાગઢના એસ.પી. સૌરભસિંઘ દોડી આવ્યા હતાં અને ત્યાના વેપારીઓને મળી વિવિધ મુદે ચર્ચા કરી હતી. ઉપરોકત તસ્વીરમાં દાણાપીઠ ખાતે લોકોની ભીડ ટ્રાફિક જામ અને વેપારીઓ સાથે ચર્ચા કરતા એસ.પી. સૌરભસિંઘ નજરે પડે છે. આ તકે એસ.પી.શ્રીએ વેપારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમો પણ સંયમ રાખશો અને તમને કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો પોલીસ પૂરતો સહકાર આપશે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)(

(12:59 pm IST)