સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

લોકડાઉનની ઐસીતૈસી ! જેતપુરમાં કાપડના ૩ કારખાના રાતપાળીમાં ધમધમતા'તા..

ચેકીંગના પગલે મજૂરો ભાગ્યાઃ મામલતદાર, પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ અને પોલીસના સંયુકત ચેકીંગમાં ભાંડો ફૂટ્યોઃ ત્રણેય કારખાનદારો સામે પોલીસની કાર્યવાહી

જેતપુર,તા.૨૬: દેશભરમાં લોકડાઉન વચ્ચે જેતપુરમાં કલમ ૧૪૪ જાહેરનામુ માત્ર સામાન્ય માણસ માટે હોય તેવું લાગી રહ્યું હતું. મોટા ઉદ્યોગપતિ માટે ૧૪૪નાં જાહેરનામુ માત્ર એક કલમ તેમ જેતપુર પંથકમાં રાતપાળીમાં કાપડનાં ત્રણ કારખાના ધમધમતા હોવાનું બહાર આવતા ત્રણેય કારખાને દારો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

વડાપ્રધાન મોદીની સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત પછી પણ જેતપુરના કપડાં પ્રોસેસ હાઉસ બેરોકટોક ચાલતા હતા. જેતપુર મામલતદાર ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા આ કાપડ પ્રોસેસ હાઉસ ઉપર સંયુકત રીતે રાત્રિ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું.રાત્રિ ચેકિંગ દરમિયાન ૪ જેટલા કાપડ પ્રોસેસ હાઉસોમાં ૨ પ્રોસેસ હાઉસ અને એક સાડી ફિનિશિંગના કારખાના ધમધમતા જોવા મળ્યા હતા. જેમાં ધોરાજી રોડ કેનાલ ઉપર આવેલ રામેશ્વર ફ્લેટમાં ચેકીગ કરતા અહીં ૬૦ થી ૭૦ જેટલા મજૂરો કારખાનાની અંદર દરવાજામાં લોક મારીને કામ કરી રહ્યા હતા. જે ચેકિંગની સ્કોવડ આવતા કારખાનું મૂકીને ભાગી ગયા હતા. જેતપુર પોલીસ અને જેતપુર મામલતદાર દ્વારા રામેશ્વર ફ્લેટના માલિકને પોલીસ સ્ટેશને લઈ જઈને જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

તેમજ ચાંપરાજ પુર રોડ ઉપર આવેલ જોન્સન પ્રોસેસનું ચેકિંગ કરતા તે પણ પૂરજોશમાં ચાલુ જોવા મળ્યું હતું, અહીં પણ ૪૫ જેટલા મજૂરો રાત્રિ દરમિયાન કામ કરતા પકડાયા હતા. સાથે આ વિસ્તારમાં આવેલ ગાયત્રી સાડી ફિનિશિંગમાં પણ ૩૫ જેટલા મજૂરો બિંદાસ્ત કામ કરતા જોવા મળ્યા હતા. આ તમામ ઉપર જાહેરનામાના ભંગની પોલીસ ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેવું ડેપ્યુટી મામલતદાર એમ.એમ. કાપડિયાએ જણાવ્યું હતું.(

(12:58 pm IST)