સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જુનાગઢમાં સંપૂર્ણ લોકડાઉન માટે વધુ સખ્તાઇની આવશ્યકતા

લોકોએ ઘરમાં જ રહીને તંત્રને સહકાર આપવો જરૂરી

જુનાગઢ તા. ર૬ :.. જૂનાગઢમાં સંપૂર્ણ લોકડાઉન માટે લોકોએ તંત્રને સહકાર આપવાની આવશ્યકતા છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે. ભારત દેશને આ મહામારીથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ૪૦ એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર કરેલ છે. અને લોકોને ઘરમાં રહેવા અનુરોધ કર્યો છે.

લોકડાઉનના પાલન માટે રાજય સરકારે કડક સુચના જારી કરી છે તે મુજબ જુનાગઢ શહેર-જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન માટે કલેકટર ડો. સૌરભ પારધી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, ડીઆઇજી મનીન્દર પ્રતાપ સિંઘ પવાર, એસ. પી. સૌરભ સિંઘ, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, ડીવાયએસપી પી. જી. જાડેજા, જે. બી. ગઢવી કવાયત કરી રહ્યા છે.

આ અધિકારીઓ સહિતનો સ્ટાફ સતત પેટ્રોલીંગ કરીને લોકડાઉનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. છતાં 'કોરોના'નો એકપણ કેસ નોંધાયો નથી. ગઇકાલે એક જ દિવસમાં જિલ્લાના ૩૮ શખ્સો સામે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી હતી.

આમ કેટલાંક લોકો હજુ પણ કોરોનાની  ગંભીરતાને લક્ષમાં લેતા ન હોવાનું જણાય રહયુ છે બિનજરૂરી રીતે કોઇપણ જગ્યાએ અથવા પોતાનાં વિસ્તારમાં શેરીનાં નાકે, અને એપાર્ટમેન્ટ આસપાસ એકત્ર થઇ ને ટોળટપ્પા મારવા અથવા ઇમરજન્સી વગર ઘર બહાર નીકળવુ લોકો માટે વર્તમાન સ્થિતીમાં હિતાવહ નથી.

સંપૂર્ણ લોકડાઉન માટે તંત્ર દ્વારા રાત-ઉજાગરા કરવામાં આવી રહ્યા છે. અને સતત પેટ્રોલીંગ કરાય રહયુ છે ત્યારે લોકોની પણ નૈતિક ફરજ છે કે તેમણે પણ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરી સ્વસ્થ સવચેત અને સાવધાન રહીએ.

કોરાના વાયરસનો ખતરો મંડરાયેલો છે તેથી કોઇપણ જાતની બેદરકારી દાખવ્યા  વગર સંપૂર્ણ લોકડાઉન રાખવામાં આવે તે અતિ આવશ્યક છે.

(12:57 pm IST)