સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જુનાગઢમાં જાહેરનામા - લોકડાઉનનાં ભંગ સબબ વધુ ૩૩ શખ્સો સામે કાર્યવાહી

ભેસાણ, કેશોદ, માણાવદર, માળીયામાં પણ પોલીસનો સપાટો

 જુનાગઢ તા. ર૬: જુનાગઢમાં જાહેરનામા અને લોકડાઉનનાં ભંગ સબબ વધુ ૩૩ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભેસાણ, કેશોદ, માણાવદર અને માળીયામાં પણ પોલીસે સપાટો બોલાવ્યો હતો.

કોરાના મહામારીને લઇ જુનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ જાહેરનામુ જારી કરીને લોકોને એકઠા ન થવા તાકીદ કરી છે અને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન પણ અમલમાં છે.

જાહેરનામું અને લોકડાઉનનાં પાલન માટે કાર્યવાહી કરવા ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસપી સૌરભસિંઘની સુચના મુજબ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગઇકાલે શહેરની એ, બી અને સી ડીવીઝન પોલીસે સપાટો બોલાવ્યો હતો.

જેમાં જુનાગઢનાં એ ડીવીઝનનાં હેઠળનાં દોલતપરા, નરસિંહ વિદ્યા મંદિર, નાઇલુ મસ્જીદ અને કસ્તુરબા સોસાયટી વિસ્તારમાંથી પોલીસે ર૪ શખ્સોને પકડી પાડી તમામની સામે કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આજ પ્રમાણે બી ડીવીઝન પોલીસ મથક નીચે આવતાં આંબાવાડી, નંદનવન મેઇન રોડ અને ગાંધી ચોક વિસ્તારમાંથી સાત ઇસમોની તેમજ સી ડીવીઝન હેઠળનાં ગાંધીગ્રામ અને મધુરમ વિસ્તારમાંથી બે શખ્સોની અટકાયત કરી તેમની સામે કલમ ૧૮૮ વગેરે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

આ ઉપરાંત ભેસાણના પરબ વાવડી ગામના એક શખ્સ સામે તેમજ માણાવદર અને કેશોદનાં૧-૧ ઇસમ વિરૂધ્ધ તથા માળીયા વિસ્તારના બે શખ્સો વિરૂધ્ધ કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આમ પોલીસે એક જ દિવસમાં વધુ ૩૮ શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવતા અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

(12:56 pm IST)