સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

વાંકાનેરમાં 'કોરોના' અંતર્ગત મુસ્લિમોને મસ્જીદમાં એકત્ર ન થવા અપીલ કરાઇ

પુર્વ ધારાસભ્યના પુત્ર અને માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ એહમદ પીરઝાદાએ મસ્જીદોમાં નમાજ અદા કરવા અંગે આપેલું મંતવ્ય

વાંકાનેર, તા., ૨૬:  કોરોના અને જયારે સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બની ગયો છે ત્યારે મુસ્લીમોએ આવા સમયે સામુહીક રીતે મસ્જીદોમાં નમાજ અદા કરવાને બદલે પોતાના ઘરે નમાજ પઢવા અંગે વાંકાનેરના પુર્વ ધારાસભ્યના પુત્ર અને હાલ ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડ એ.પી.એમ.સી. વાંકાનેરના ચેરમેન શકીલ અહેમદ કે. પીરઝાદા (એડવોકેટ) પોતાના મંતવ્યો રજુ કરતા જણાવે છે કે

નમાઝ એ ઇસ્લામના પાંચ અરકાનો પૈકી અગત્યનો અરકાન છે. ઇસ્લામ એક સામુહીક ધર્મ હોઇ દિવસ માં પાંચ વખત સામુહીક રીતે નમાઝ પઢવુ જરૂરી છે. પરંતુ હાલ કોરોના  વાયરસના ચેપી રોગચાળા સમયે મોટા સમુહમાં એકઠું થવું હિતાવહ નથી. આવા સમયે મુસ્લિમો માટે મસ્જીદમાં જમાત સાથે સામૂહિક નમાજ પઢવા અંગે શૂં આદેશ છે? આ બાબતે હદિસની  કિતાબ 'બુખારી શરીફ'માં એક થી વધુ ઉલ્લેખો છે.  વધુ વરસાદ, ઠંડી અને ભારે પવનોના સમયે પયગમ્બર મહંમદ સાહેબ (સલ.) લોકોને  પોતાને ઘરે જ અથવા તો  જ્યાં હોય ત્યાંજ  નમાઝ પઢવા  માટે આદેશ કરતા.  આવા મુશ્કેલીના સમયે મસ્જીદના જમાત સાથે સામૂહિક નમાઝ પઢવાનો આદેશ  સ્થગિત કરી દેવામાં આવતો. અઝાનમાં પણ 'હય્યા અલ્લસલાહ'(નમાઝ માટે આવો)ની જગ્યાએ 'અસ્સલતો ફી બુયુતિકુમ' (ઘરે નમાઝ પઢો) શબ્દો પઢવામાં આવતા. અને લોકોને  પોતાને ઘરે જ નમાઝ પઢવાની સૂચના આપવામાં આવતી.

હાલ કોરોના વાયરસના રોગચાળા સમયે લડવા માટે આપણે ઉમ્મત તરીકે પયંગમ્બર સાહેબ (સલ.)ના કથનોમાંથી શિક્ષા  લેવી જરૂરી છે. હાલ મોટા ભાગના ઈસ્લામિક  દેશોમાં મસ્જીદોમાં સામૂહિક નમાઝ સ્થગિત કરવામાં આવી છે. મસ્જીદોમાં અઝાનમાં ફેરફાર કરી 'નમાઝ ઘરે પઢો'નો આદેશ આપવામાં આવે છે.  સાઉદી  અરેબિયાના  મક્કા તથા મહિનામાં બહારના શ્રધ્ધાળુઓના પ્રવેશ માટે નિષેઘ તથા ઉમરાહ ના સરકારનો પણ બંધ કરેલ છે. ભારતમાં અજમેર ખાતે પણ દરગાહમાં શ્રધ્ધાળુઓ માટે પ્રવેશ બંધની જાહેરાત કરી દવાઇ છે. દિલ્હી જામા મસ્જીદમાં શાહી ઇસ્લામની જાહેરાત મુજબ જમાઅત સાથે સામુહીક નમાઝ માટે સ્થગીત કરી દેવાઇ છે. કડી ખાતે બાલાપીર બાવા (રહે.)ની દરગાહમાં પણ પ્રવેશબંધીની જાહેરાત થયેલ છે ત્યારે આપણે પણ પયગમ્બર સાહેબ (સલામ)ના જીવનમાંથી શિક્ષા લઇને કોરોના વાયરસના ચેપી રોગચાળાથી બચવા મસ્જીદોમાં જમાત સાથે સામુહીક નમાજ સ્થગીત કરવી જોઇએ અને લોક ડાઉનના સંજોગોમાં પોતાના ઘરે જ નમાઝ પઢવી જોઇએ તથા કોરોનાથી બચવા માટે સરકારશ્રીના આદેશોનું પાલન  કરવુ જોઇએ.

(11:52 am IST)