સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કચ્છમાં હોમ કવોરેન્ટાઇનમાંથી ભાગનાર ૮ સામે એપેડેમીક એકટ હેઠળ ફોજદારી ફરિયાદ

બહારથી આવનારાઓના સંપર્કમાં આવેલા ગાંધીધામના હાઈ પ્રોફાઈલ લોકોથી માંડીને રાપર, લખપત સહિતના કચ્છના ગ્રામીણ લોકોમાં કોરોનાનો ડર, વાગડમાં બહારથી આવનારા ૧૨ હજાર જેટલા વ્યકિતઓથી ચિંતિત રાપરના ધારાસભ્યએ આઇસોલેશન વોર્ડની સુવિધા માટે કરી માંગ

ભુજ, તા.૨૬: રાજયની એપેડેમીક એકટ હેઠળની પ્રથમ ફરિયાદ કચ્છમાં નોંધાઇ છે. અબડાસા તાલુકાના બીટા ગામે મુંબઈથી આવેલા પાંચ સભ્યોના પરિવારને અને આશાપર ગામે આવેલા અંકલેશ્વરના ત્રણ સભ્યોના પરિવારને હોમ કવોરેન્ટાઈન રખાયા હતા. પણ, આ બન્ને ગામમાં હોમ કવોરેન્ટાઈન રહેનાર આ પરિવારના સભ્યો કોરોના અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ભંગ કરી નાસી છૂટતા તે તમામ સામે એપેડેમીક એકટ હેઠળ આરોગ્યતંત્ર દ્વારા નલિયા પોલીસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ છે. દરમ્યાન છેલ્લા પાંચ દિવસ દરમ્યાન મુંબઈથી કચ્છના વાગડ વિસ્તારના રાપર તેમ જ ભચાઉમાં ૧૨ હજાર જેટલા લોકો આવ્યા છે. આ સંદર્ભે રાપરના કોંગ્રેસી ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ તકેદારીના પૂરતા પગલાં ભરાયા ન હોવાનું જણાવીને રાજયના મુખ્યમંત્રી તેમ જ વિરોધ પક્ષના નેતા સમક્ષ નારાજગી વ્યકત કરી છે. માસ્ક અને સેનિટાઈઝરનો પૂરતો જથ્થો નથી. ધારાસભ્ય સંતોકબેને સ્થાનિકે કોરોના અંગે ટેસ્ટ કરી શકાય અને શંકાસ્પદ દર્દીઓને દાખલ કરી શકાય તે માટે રાપર, ભચાઉમાં આઇસોલેશન વોર્ડ બનાવવાઙ્ગ જણાવ્યું છે. જોકે, તેમણે ગંભીર ફરિયાદ કરી છે કે, ગામડાઓમાં બહારથી આવનારાઓ અંગે સરપંચ દ્વારા જાણ કરાયા પછી પણ તે વ્યકિતઓની તપાસ કરવા કોઈ કાર્યવાહી થતી નથી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પણ આ સંદર્ભે પેટ્રોલિંગ વધે તે માટે ધારાસભ્યએ જણાવ્યું છે. જો, ઝડપભેર તકેદારીના પગલાં નહીં લેવાય તો કચ્છના રાપર, ભચાઉ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ થવાની દહેશત ધારાસભ્ય સંતોકબેન પટેલે વ્યકત કરી છે.

દરમ્યાન દુબઈથી ગાંધીધામ લગ્ન પ્રસંગે આવેલ બિઝનેસમેનનું મુંબઈમાં કોરોનાને કારણે મોત નિપજયા બાદ ગાંધીધામમાં ત્રણ તબીબો સહિત ૨૭ લોકોને હોમ કવોરેન્ટાઈન તો કરાયા છે. પણ, લગ્ન સમારોહમાં આ મૃતક બિઝનેસમેનના સંપર્કમાં આવનારા, તેમ જ ગાંધીધામના ત્રણ તબીબો પાસે તેમના મેડિકલ ચેકઅપ દરમ્યાન સંપર્કમાં આવનાર દર્દીઓ સહિત તેમને મળનાર બિઝનેસમેન ગ્રુપમાં એક પ્રકારનો ફફડાટ વ્યાપી ગયો છે. આમાંથી મોટાભાગના ગાંધીધામના હાઈ પ્રોફાઈલ લોકો છે. જોકે, ગાંધીધામના આ બિઝનેસમેન દુબઈથી અમદાવાદ વિમાનમાં આવ્યા હતા. તો, તા/૧૩/૩ ના ભુજ બાંદ્રા એસી એકસપ્રેસમાં મુંબઈ ગયા હતા. ત્યારે તેમની સાથે પ્રવાસ કરનારાઓ માટે પણ ચિંતાનો વધારો થયો છે. તો, મક્કા મદીનામાં ઉમરાની યાત્રા કરીને પરત આવનાર લખપતના મહિલાને કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ તેમની સાથે રહેલા હજયાત્રીઓ અને તેમને તકરીરમાં મળવા આવનારા વ્યકિતઓમાં પણ ચિંતાનો માહોલ છે. આમ, કોરોનાએ કચ્છમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તરોમાં ઉચાટ સજર્યો છે. જોકે, આ સંજોગોમાં કોરોનાના દર્દીઓ સાથે સંપર્કમાં આવનારા લોકો, વિદેશથી આવનારા લોકો તકેદારી રાખે હોમ કવોરેન્ટાઈન રહે તે જરૂરી છે. તો, આપણે પણ લોકડાઉન દરમ્યાન દ્યરમાં રહીએ. સરકારને અને તંત્રને પૂરેપૂરો સહકાર આપીએ તે આપણા ખુદ માટે, પરિવાર માટે અને સમાજ માટે જરૂરી છે. કોરોના સામેની લડતમાં દરેક ભારતીય એક બને તે વર્તમાન સમયનો પડકાર છે.

(11:51 am IST)