સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

આ જગ્યા અમારે વાળવી છે અહીં જેસીબી મશીન બંધ કરો કહી...ભુપતભાઇ, દીલીપ અને અનીલ પર હુમલો

સરધાર પાસે ડુંગરપુરમાં ચાવડા વાડીની સીમમાં બનાવઃ રાણા ગમારા, લખા ભરવાડ, મહેશ અને રૈયા ગમારા સામે ગુનોઃ સામાપક્ષે રૈયા ગમારાની ફરિયાદ

રાજકોટ તા. ર૬: ભાવનગર રોડ પર સરધાર નજીક આવેલા ડુંગરપુર ગામ ચાવડા વાડીની સીમમાં સરકારી ખરાબાની જગ્યા વાળવા પ્રશ્ને કોળી અને ભરવાડ પરિવાર વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ થઇ છે અને પાંચને સારવાર હેઠળ ખસેડાયા છે.મળતી વિગત મુજબ ડુંગરપુર ગામ ચાવડા વાડી સીમમાં રહેતા અનીલ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ. ર૮) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગામમાંજ રહેતા રાણા નાજા ગમારા, લાખા નાજા, મહેશ લાખા અને રૈયા રેવાભાઇના નામ આપ્યા છે. અનીલ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે તથા કાકા દીલીપભાઇ ચનાભાઇ રાઠોડ બંને પોતાના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી ખરાબાની જગ્યામાં બેઠા હતા આ વખતે બાજુમાં ખુલ્લી જગ્યામાં કાકા ચંદુભાઇ છગનભાઇ જેસીબીતથી પ્લોટ સરખો કરાવતા હતા આ વખતે સાંજે રાણા નાજા ગમારા તેની સાથે લાખા નાજા, મહેશ લાખા અને રૈયા રેવાભાઇ ચારેય ભરવાડ શખ્સો કુહાડો, લોખંડનો પાઇપ અને ધોકો લઇને આવ્યા હતા અને કહેલ કે, આ જગ્યા અમોને પંચાયતે ફાળવેલ છે. આમ કહેતા આ ચારેય જણા ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી રાણા નાથાએ કુહાડો માથામાં મારી દીધો હતો.

પોતાને માથામાં ઇજા થતા નીચે પડી ગયો હતો અને લાખા નાથાએ પોતાને ધોકા વડે માર માર્યો હતો અને કાકા દીલીપભાઇને પાઇપ વડે મારમાર્યો હતો આ વખતે દેકારો બોલતા ઘરમાંથી પોતાના પિતા ભુપતભાઇ છનાભાઇ રાઠોડ (ઉ.વ. પ૦) દોડી આવ્યા હતા તે વચ્ચે પડતા રૈયા રેવા ભરવાડે તેને પણ ધોકા વડે મારમારી વાસામાં અને ખંભાના ભાગે ઇજા કરી હતી. બાદ આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો નાસી ગયા હતા અને પોતાને તથા પિતા ભુપતભાઇ અને કાકા દીલીપભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયારે સામાપક્ષે ડુંગરપુર ગામમાં રહેતા રૈયા રેવાભાઇ ગમારા (ઉ.વ. ૩૩) એ નોંધાવેલી ફરિયાદમાં ભુપત ચનાભાઇ રાઠોડ, દિલીપ ચનાભાઇ રાઠોડ, ભરત કુળજીભાઇ રાઠોડ અને અનીલ ભુપતભાઇ રાઠોડના નામ આપ્યા છે. રૈયાભાઇ ગમારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માલઢોરનો ધંધો કરે છે. પોતે ડુંગરપુર-હલેન્ડાની સીમમાં ખેતીની ચાપડાવાડી તરીકે ઓળખાતી આઠ વીઘા જમીન આવેલ છે. જેની પાસે સરકારી પડતર ખરાબો આવેલ છે. જે જમીન વાવવા બાબતે પોતાને તથા ભુપત ચનાભાઇ રાઠોડ તથા તેના ભાઇ દીલીપ ચનાભાઇ રાઠોડ સાથે મનદુઃખ ચાલુ છે. ગઇકાલે પોતે તથા કાકા રાણાભાઇ ગમારા પોતાની વાડીએ હતા ત્યારે સામેવાળા ભુપત રાઠોડ તથા દીલીપ, ભરત અને અનીલ કોઇનું જેસીબી લઇને આવેલા અને પોતે વાળેલ સરકારી ખરાબામાં મકાન બનાવવા માટે લેવલીંગ કરવા લાગતા પોતે તથા કાકા રાણાભાઇએ ના પાડતા અમારી વચ્ચે બોલાચાલી થતા આ લોકો એકદમ ઉશ્મેરાઇ જઇ ગાળો આપી તલવાર વડે માથાના ભાગે ઇજા કરી હતી અને કાકા રાણાભાઇ વચ્ચે પડતા તેને પણ હાથની આંગળીમાં ઇજા થઇ હતી. દેકારો બોલતા ચારેય શખ્સો ભાગી ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી પીએસઆઇ જ ી. એન. વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)