સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કચ્‍છમાં અ.ધ..ધ સાડા ચાર લાખ જાપાનીઝ માસ્‍ક ઝડપાયા, તો કોરોનાનો વધુ એક શંકાસ્‍પદ દર્દી

અદાણી પોર્ટના ખાનગી સીએફએસમાંથી બે કન્‍ટેનર પોલીસે ઝડપ્‍યા, સંપર્ક દ્વારા માંડવીના વૃદ્વાને જણાયા કોરોનાના લક્ષણો

તા.૨૬: ભુજ દેશભરમાં કોરોનાને કારણે માસ્‍કની અછત છે. ત્‍યારે મુન્‍દ્રા પીઆઇ પી.કે. પટેલ અને સ્‍ટાફે ખાનગી સીએફએસ સેન્‍ટરમાંથી બે કન્‍ટેનર ભરેલ સાડા ચાર લાખ જાપાનીઝ માસ્‍ક ઝડપી પાડ્‍યા હતા.

જાપાનની કંપનીએ ભારતીય આયાતકારને મોકલાવેલ માસ્‍કનો આ જથ્‍થો ડિલિવરી નહીં લેવાતાં જાપાનીઝ કંપની તેને પાછો મંગાવવાની ફિરાકમાં હતી. અત્‍યારે કોરોના અંતર્ગત ભારત સરકારે માસ્‍ક અને સેનિટાઈઝરની નિકાસ પર બેન્‍ડ મુક્‍યો છે.

માસ્‍કનો આ જથ્‍થો કસ્‍ટમ તેમ જ કલેકટર દ્વારા જપ્ત થઈ રાજયસાત કરવાની કાર્યવાહી કરાઈ છે. કસ્‍ટમના ચીફ કમિશનર શ્રીવાસ્‍તવ અને અન્‍ય અધિકારીઓની હાજરીમાં મુન્‍દ્રાના ડેપ્‍યુટી કલેકટર કે.જી. ચૌધરીને માસ્‍કનો આ જથ્‍થો સુપ્રત કરાયો હતો.

દરમ્‍યાન અન્‍ય શંકાસ્‍પદ દર્દીના સંપર્કમાં આવેલા માંડવીના ૬૦ વર્ષના વૃદ્ધાને કોરોનાના લક્ષણો જણાતાં તેમને ભુજની અદાણી જીકે હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

કચ્‍છ જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. કન્નરના જણાવ્‍યા પ્રમાણે અત્‍યાર સુધી કચ્‍છમાં ૧૭ દર્દીઓ પૈકી ૧૫ નો રિપોર્ટ નેગેટિવ, ૧ નો પોઝિટિવ અને માંડવીના દાખલ થયેલ વૃદ્ધાનો રિપોર્ટ આવવાનો બાકી છે.

(11:25 am IST)