સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

ભાવ ઘટી જતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી રોકાઇ

સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ : માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ સફેદ ડુંગળીના કટ્ટાની આવક થઈ છે, બે દિવસમાં ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો

રાજકોટ, તા. ૨૬ : સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ખેડૂતોએ ડુંગળીની હરરાજી અટકાવી હતી. ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગઈકાલ બપોરબાદ સફેદ ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી. જે માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી ખરીદ કરેલી ૧૪ વિઘા જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે ૨ લાખ સફેદ ડુંગળીના કટ્ટાની આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા ભાવ ઘટ્યા હતા.

છેલ્લા ૨ દિવસમાં ડુંગળીના ભાવમાં ૫૦ ટકા જેટલો ભાવ ધટાડો જોવા મળ્યો હતો. ડુંગળીના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને આવતા હોય છે, ત્યારે આજરોજ સફેદ ડુંગળીના ભાવ માત્ર એક મણના ૧૫૦થી ૨૦૦ રૂપિયા મળતા તાત્કાલિક ખેડૂતોએ હરરાજી અટકાવી દીધી હતી.બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ધાણાની દોઢ લાખ ગુણીની આવક થઈ છે. તેમ છતાં યાર્ડની બંને બાજુ ધાણા ભરેલા વાહનોની ૩ કિમી લાંબી લાઇન લાગી છે. આજે હરાજીમાં એક મણ ધાણાનો ભાવ ૮૦૦થી ૧૭૫૧ રૂપિયા સુધી બોલાયો હતો. તેમજ ધાણીનો ભાવ એક મણનો ૧૮૦૦થી ૨૯૦૧ સુધી ભાવ બોલાયો હતો.

ગોંડલ યાર્ડાં ડુંગળીની પણ મબલક આવક થઈ છે. પરંતુ ભાવમાં ધરખમ ભાવ ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલ યાર્ડમાં સફેદ ડુંગળીની અંદાજીત ૨ લાખ કટાની આવક થઈ છે. મોટા પ્રમાણમાં આવક થતા ભાવ ઘટ્યા છે. ૨ દિવસમાં ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ખેડૂતોને એક મણ ડુંગળીનો ભાવ આજે ૧૫૦થી ૨૦૦ રૂપિયા મળતા હરાજી અટકાવી હતી. સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઇને ગોંડલ આવી રહ્યાં છે.

ગોંડલ યાર્ડમાં વર્ષ દરમિયાન સતત વિવિધ જણસીઓની આવક થઈ રહી હોય જેની સામે વિશાળ માર્કેટિંગ યાર્ડ પણ ટૂંકુ પડી રહ્યું હોય તેનું કદ વધારવા યાર્ડ તંત્ર દ્વારા નજીકની જ આશરે રૂપિયા ૧૪ કરોડની ૧૪ વીઘા જમીન ખરીદ કરવામાં આવી છે. નવી ખરીદી કરાયેલી જગ્યામાં ડુંગળી ઉતારવાની વ્યવસ્થા કરવા માલ ઉતારવા માટેની વ્યવસ્થા માટે જમીનનું લેવલિંગ તથા લાઇટ વ્યવસ્થા વગેરે કામગીરી ચાલી રહી છે. આગામી દીવસોમાં વધુમા વધુ ખેડૂતોનો માલ યાર્ડમાં આવી શકે તેવું આયોજન કરવા યાર્ડ તંત્રને સૂચિત કરાયું હતું.

(7:47 pm IST)