સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

પ્રજાને કોંગ્રેસ ઉપર ભરોસો નથી, કોંગ્રેસના પતનના એંધાણઃ વિજયભાઇ રૂપાણી

ભાજપની સરકાર પ્રજાના સુખે સુખી, પ્રજાના દુખે દુઃખીના મંત્રો સાથે કામ કરે છેઃ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલામાં ચુંટણી સભા સંબોધતા મુખ્યમંત્રી : ચૂંટણીમાં ખોટા માણસોને મત આપ્યો તો ગયા વર્ષની જેમ પાંચ વર્ષ બગડશેઃ કોંગ્રેસે નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજુરી નહી આપીને ગુજરાતને પાણીના દુકાળમાં ધકેલ્યું

રાજકોટ, તા. ર૬ : સુરેન્દ્રનગરના સાયલા ખાતે યોજાયેલ ચૂંટણી સભામાં  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે  ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં કૃષિ વિજ બિલના ભાવમાં એક પૈસાનો પણ વધારો થયો નથી.  ભાજપ સરકારમાં ખેડૂતો માંગે ત્યારે કૃષિ વિજ જોડાણ ઉપલબ્ધ જ્યારે કોંગ્રેસના સમયમાં લાખો વિજ જોડાણ પડતર હતા. અત્યારે ગુજરાતમાં દર વર્ષે ૧.૫૦ લાખ કૃષિ વિજ જોડાણ આપીએ છીએ.  સુરેન્દ્રનગર જિલ્લાના ચાર બાકી તાલુકાઓમાં ટૂંક સમયમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન  સૌરાષ્ટ્રના પુત્ર તરીકે તમે આપેલ તકને હું પાણી આપીને તમારૂ ઋણ અદા કરીશ. છ મનપાના પરિણામોમાં પ્રજાએ કોંગ્રેસને સત્તા માટે નહી પણ વિપક્ષ તરીકે પણ લાયક ન ગણી પ્રજાને કોંગ્રેસ ઉપર ભરોસો રહ્યો નથી જે કોંગ્રેસના પતન ના એંધાણ છે.

ચૂંટણીમાં ખોટા માણસોને મત આપ્યો તો ગયા વર્ષની જેમ પાંચ વર્ષ બગડશે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલે ગુજરાતને માંગ્યા પહેલા સવાયું મળી જાય છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિકાસની નવી ક્ષિતિજો સર કરી છે.  અમદાવાદપ્રરાજકોટ નેશનલ હાઇવે, રોપ્રપેક્ષ ફેરી સર્વિસ, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જેવા અનેક વિકાસના સોપાનો કેન્દ્રએ ગુજરાતને આપ્યા છે.

કોંગ્રેસના પાપે ગુજરાતે વર્ષો સુધી પાણીના દુકાળનો સામનો કર્યો. કોંગ્રેસે સાતપ્રસાત વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી નહીં આપીને ગુજરાતને પાણીના દુકાળમાં ધકેલ્યું તેમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

જ્યારે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનતાની સાથે માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપીને ગુજરાતના વિકાસના નવા દ્વાર ખૂલ્યા.  અમારી સરકાર ખેડૂતો, ગરીબો, મહિલાઓ, યુવાનોની સરકાર છે. મારૂ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ ભાજપ શાસિત બને તો સર્વાંગી વિકાસ શક્ય બને આ સુવર્ણ તક સુરેન્દ્રનગરના મતદારોએ ભાજપને મત આપીને ઝડપી લેવાની છે.  તમારા આગામી પાંચ વર્ષ વિકાસ માટે ભાજપને મત આપજો. કોંગ્રેસના સમયમાં ખેડૂતોને ૧૫ ટકાના વ્યાજે લોન અપાતી હતી જ્યારે હવે અમારી સરકારે ઝીરો ટકાના દરે લોન આપી ખેડૂતોને વ્યાજના ચુંગાલમાંથી બચાવ્યા છે.

ગુજરાતમાંથી ખેડૂતો માટે પાક વિમા યોજના નાબૂદ કરીને અમારી સરકારે દુકાળ, માવઠું, અતિવૃષ્ટિ વખતે ખેડૂતોને હેકટર દીઠ ૨૦થી ૨૫ હજાર સુધીની સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવી છે. છેલ્લા ૨૦ વર્ષમાં સીમેન્ટ, સ્ટીલ, પેટ્રોલપ્રડીઝલના ભાવ વધ્યા છે પરંતુ કૃષિ વિજ બિલના ભાવમાં એક પૈસા પણ વધ્યો નથી. ખેડૂતો દિવસે કામ કરે અને રાત્રે વિશ્રામ કરી શકે તે માટે ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવીને અત્યાર સુધીમાં પાંચ હજાર ગામોને આ સુવિધા હેઠળ સમાવી લીધા છે

જ્યારે વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ગામોના ખેડૂતોને ખેતી માટે દિવસે વિજળી અપાશે. અગાઉ કોંગ્રેસની સરકારમાં ગુજરાતમાં ટેન્કર રાજ હતુ જ્યારે ભાજપ સરકારે સૌરાષ્ટ્રને પાણી આપતી સૌની યોજના માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયા ફાળવીને તમામ જિલ્લાઓમાં પીવાના પાણી વ્યવસ્થા ઉભી કરી છે.  સુરેન્દ્રનગરના છ તાલુકાઓમાં પણ નર્મદાનું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું જ્યારે બાકીના તાલુકાઓમાં આગામી સમયમાં આ કામ પુરૂ કરાશે.

દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે ડિસેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે દૈનિક ૩૭ કરોડ લીટર પાણી શુદ્ધ કરશે.  સુજલામપ્રસુફલામ અંતર્ગત ૪૧ હજારથી વધારે તળાવો ઉંડા કરીને પાણીના તળ ઉંચા લાવવામાં આવ્યા છે.  ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ૮૦૦૦ ગામોમાં ૫૦થી વધુ સરકારી સેવાઓ ઘરે બેઠા ઓનલાઇન ઉપલબ્ધ કરાવી છે.

વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ૧૮,૦૦૦ ગામોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાશે.  ભાજપ સરકારે માત્ર માનવ જ નહી પણ પશુપ્રપંખીઓની ચિંતા કરીને ૪૦૦થી વધુ ફરતાં દવાખાના અને ૧૯૬૨ હેલ્પલાઇન શરૂ કરી છે. ગામડાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટના માધ્યમથી સરકારી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કોલેજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપીને ડિજિટલ શિક્ષણ સાથે જોડ્યા છે.  કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં માત્ર ૯ મેડીકલ કોલેજો હતી જે આજે વધીને ૩૭ અને બેઠકો ૯૦૦થી વધુને ૬૦૦૦ થઈ છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીને મેડીકલના અભ્યાસ માટે બહાર જવું પડતું નથી. અગાઉ ગુજરાતમાં માત્ર ૭ યુનિવર્સિટીઓ હતી જે આજે ૭૮ યુનિવર્સિટીઓ કાર્યરત છે. ગુજરાતમાં કોંગ્રેસના સમયમાં સાત વર્ષ સુધી સરકારી ભરતી ઉપર પ્રતિબંધ હતો એટલે કોંગ્રેસને રોજગારી ઉપર બોલવાનો અધિકાર નથી

જ્યારે અમારી સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૧.૬૦ લાખ જેટલી ભરતી કરીને યુવાનોને રોજગારી આપી છે.  આ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં ૧૨ લાખ જેટલા યુવાનોને નોકરી ઉપલબ્ધ કરાવી છે. કોરોના કાળમાં ૨૫ લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના રાજ્યમાં ગુજરાતમાંથી ટ્રેનો દ્વારા મોકલવામાં આવ્યા હતા જે ગુજરાતમાં રોજગારીની સ્થિતિ દર્શાવે છે.  ભાજપ સરકારે ૧૦ લાખ નવા રાશનકાર્ડ આપીને ૫૦ લાખથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું છે.

ગુજરાતમાં ૩ કરોડ લોકોએ મા વાત્સલ્ય કાર્ડનો લાભ લીધો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગુંડા એકટનો કાયદો બનાવીને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઇ કરી છે. લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત ૧૪ વર્ષની સજાની જોગવાઇ કરી છે જેમાં અત્યાર સુધીમાં ૩૦૦ કેસ નોંધાયા છે.  મહિલાઓના ગળામાંથી ચેન લૂંટનાર માટે ૭ વર્ષની જેલની જોગવાઇ કરાઇ છે.

ગૌ હત્યા રોકવા કડક કાયદો બનાવીને ૧૪ વર્ષની સજાની જોગવાઇ કરાઇ છે.

આગામી વિધાનસભામાં લવ જેહાદ સામે કડક કાયદો લાવીને હિંદુ દિકરીઓને વધુ સુરક્ષીત બનાવીશું.  ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ગુજરાતમાં ઓનલાઇન ફખ્ નો અમલ કરવામાં આવ્યો છે..

ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦૦ વધુ દરોડા પાડીને ગુજરાતને ભય અને ભ્રષ્ટાચાર મુકત બનાવવાની નેમ લીધી છે. આજે ગુજરાત ગાંધી, સરદાર અને મોદીના નામે ઓળખાય છે. જ્યારે અગાઉ કોંગ્રેસના સમયમાં આખા ઇલાકાઓ ગુંડાઓના નામે ઓળખાતા હતા.  કોંગ્રેસ શાસિત મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે એટલે કોંગ્રેસને કોરોના ઉપર બોલવાનો કોઇ અધિકાર નથી.

ગુજરાતમાં રૂપિયા ૫૦,૦૦૦ સુધીના ઇન્જેકશન વિના મૂલ્યે આપીને કોરોનાના નિયંત્રણમાં લાવ્યા છીએ. ભાજપની સરકાર પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખીના મંત્ર સાથે કામ કરે છે. અમે સત્તાને સેવાનું સાધન માનીએ છીએ.  આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને વિકાસના કામોમાં ભાગીદાર બનીએ તેવી આપ સૌ મતદારોને અપીલ કરૂ છું.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ આ પ્રસંગે રાજ્ય સરકારની વિકાસ યોજનાઓની રૂપરેખા આપીને આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જિતાડીને વિકાસમાં ભાગીદાર થવા મતદારોને અનુરોધ કર્યો હતો.  આ પ્રસંગે સાંસદ ડૉ, મહેન્દ્રભાઇ મુંજપુરા, ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યશ્રી ધનજીભાઇ, પ્રભારી મંત્રીશ્રી નિતીનભાઇ ભારદ્વાજ, જિલ્લા પ્રમુખશ્રી જગદીશભાઇ, મહામંત્રી વર્ષાબેન, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મંડલ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ઉમેદવારશ્રીઓ અને મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:10 pm IST)