સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

કોડીનારમાં સુગર મિલના મુદ્દાને આગળ વધારીશું : સી.આર.પાટીલ

(અશોક પાઠક દ્વારા)કોડીનાર,તા. ૨૬: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ કોડીનારમાં ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલની બાઈક રેલી યોજી ભાજપે શકિત પ્રદર્શન કરી અને માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. સોરાષ્ટ્ર અને ગીરનાં ગામોમાં કોંગ્રેસ હજુ પણ માથું ઉચકી રહી છે જેને લઈ ભાજપનાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બાદ હવે સીઆર પાટીલને કોડીનાર આવી સભા સંબોધી હતી.

સીઆર પાટીલે ખેડૂતોને લઈ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, 'કોંગ્રેસનાં રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા જમીન વહેંચતા.મોદી સરકારે ખેડૂતોને દર વર્ષ ૬ હજાર રૂપિયા જમા કરાવી રહી છે.' ખેડૂતોને હવે વીમો ભરવાની પણ ચિંતા નથી કે રાત્રે જાગવાની પણ ચિંતા.અમે દિવસે વીજળી આપી ખેડૂતોનાં ઉજાગરા દૂર કર્યા છે.સીઆર પાટીલે ઉમેદવારોને કહ્યું કે, 'તમે તમારા કામનાં કારણે કે કોઈ કુનેહનાં કારણે જીતતા નથી.પણ કાર્યકર્તાઓની મહેનત મતદારોનાં મત અને કમળના કારણે જીતો છો.

હાલ ગીર વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.ભાજપે ટિકિટ ન આપી હોવાને લઈ અને નવા નિયમોને લઈ અનેક લોકો અસંતુષ્ટ છે તો ભાજપ જ ભાજપ ને કાપે તેવી આશંકા છે જેના કારણે સી.આર.પાટીલ આજે ગીરનાં કોડીનાર પહોંચ્યા હતા.સ્થાનિક મહત્વનાં મુદ્દા બંધ સુગર મિલને લઈ તેઓએ જણાવ્યું હતું કે, 'પૂર્વ નેતાઓએ કહ્યું હશે તો સુગરમિલ જરૂર શરૂ થશે.આ મુદ્દાને અમો આગળ વધારીશું.'

(11:40 am IST)