સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

ઉપલેટા તાલુકાના ખાખીજાળીયામાં કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઇ આંબલીયાની જાહેર સભા

ઉપલેટા : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને બધા પક્ષો પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ ઉપર આજે કિશન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જાહેર સભા સંબોધી હતી.આ જાહેર સભામાં ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લાલિત વસોયા, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા. પાલભાઈ આંબલિયાએ અહી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને સરકાર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના વિસ્તારમા ખેડૂતોને સંબોધતા પાલ આંબલિયાએ ખેડૂતોના વિવિધ મુદ્દે સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા. ઉપલેટા વિસ્તારના ખેડૂતોના વીમાનો પ્રશ્ન સાથે ખેડૂતોને ખેતપેદાશના ભાવ મળતા નથી જેને લઈને ખેડૂતો હેરાન પરેશાન છે. આ ભાજપ સરકાર માલેતુજારની સરકાર છે. તેને દિલ્હીમાં ચાલતા ખેડૂતોના આંદોલનની કઈ પડી નથી. મહિનાઓથી ચાલતા ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનો કોઈ પ્રયાસ કરતા નથી અને ૩ કૃષિ કાયદા પરત લેવા નથી. જે જોતા આ સરકાર ખેડૂત વિરોધી છે માટે હવે ખેડૂતો આ સરકારને જાકારો આપશે તેવો મત વ્યકત કર્યો હતો. આ સભામાં ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા, મોજીરા, સેવંત્રા, ગઢાળા, નવાપરા, કેરાળા સહિતના ગામના ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર -અહેવાલ : ભરત દોશી -ઉપલેટા)

(10:20 am IST)