સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th February 2020

જેતપુરમાં ૯૮ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

બે દાયકા જૂની સેવાકીય સંસ્થા સીટી કાઉન્સીલ ઓફ જેતપુર દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ ૧૫માં : સ્વ.વિઠ્ઠલભાઇના સ્મરણાર્થે અને જયેશભાઇ રાદડીયાના સહયોગથી આયોજન : કરીયાવરમાં દિકરીઓને ૧૦૦ થી વધુ વસ્તુઓ અપાશે : રકતદાન કેમ્પમાં ૧૫૦ જેટલી રકતની બોટલ એકત્ર થશે

રાજકોટ તા.૨૬ : આગામી ૧ માર્ચના રવિવારે જેતપુરમાં ૯૮ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના સ્મરણાર્થે અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના સહયોગથી આયોજીત આ સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં કરિયાવરમાં દિકરીઓને ૧૦૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. સમુહલગ્નની સાથોસાથ રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

૨૦ વર્ષ જૂની સંસ્થા સીટી કાઉન્સીલ ઓફ જેતપુરના આગેવાનો 'અકિલા'ની મુલાકાતે આવેલા. તેઓએ જણાવેલ કે આગામી ૧ માર્ચના રવિવારે જેતપુર મુકામે ધોરાજી રોડ પર આવેલ લેઉઆ પટેલ સમાજ પાર્ટી પ્લોટની બાજુમાં ૧૫માં સર્વજ્ઞાતિય સમુહલગ્નનુ આયોજન કરાયુ છે. જેમાં વિવિધ સમાજના ૯૮ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાશે.

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના સ્મરણાર્થે તેમજ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના સહયોગથી આયોજીત આ સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં કરિયાવરમાં દીકરીઓને કબાટ, પલંગ, સાકડા, વાસણો સહિત ૧૦૦ થી વધુ વસ્તુઓ અપાશે. આ સમારંભના ઉદઘાટન પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પાણી પુરવઠા પશુપાલન મંત્રી, કુંવરજીભાઇ બાવળીયા, રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ સર્વજ્ઞાતિય સમુહલગ્નની સાથોસાથ રકતદાન કેમ્પનું પણ આયોજન થયુ છે જેમાં ૧૫૦ જેટલી રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ છે.

સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે ૨૦ વર્ષ જૂની આ સંસ્થામાં હાલમાં ૪૦ સભ્યો છે અને જન્માષ્ટમીના લોકમેળો, સર્વરોગ નિદાન કેમ્પ, પશુરોગ નિદાન કેમ્પ, જેતપુરમાં ઇલેકટ્રીક સ્મશાનમાં સહયોગ, જૂની ગર્લ્સ સ્કુલનુ રિનોવેશન, એમ્બ્યુલન્સ પાણીના પરબ બાંધવા જેવી સેવાકીય પ્રવૃતિઓ કરતુ હોવાનુ જણાવેલ હતુ.

તસ્વીરમાં સીટી કાઉન્સીલ ઓફ જેતપુરના પ્રમુખ રજનીભાઇ દોંગા (મો.૭૦૧૬૩ ૦૫૧૫૨), સેક્રેટરી મનહરભાઇ વ્યાસ (મો. ૯૪૨૭૨ ૩૭૭૪૬), પ્રો.ચેરમેન પ્રવિણભાઇ નંદાણીયા (મો. ૯૩૭૭૧ ૪૬૬૫૫) અને પૂર્વ પ્રમુખ જેન્તીભાઇ રામોતીયા (મો. ૯૩૭૫૭ ૧૧૩૪૪)નજરે પડે છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)

(11:42 am IST)