સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

૨૯મીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ - ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગની પરીક્ષા યોજાશે

પરીક્ષા કેન્દ્રોની આસપાસનાં સ્થળોએ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

   સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ૨૯ જાન્યુઆરીના રોજ વિવિધ કેન્દ્રો ખાતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ - ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગની (જા.ક્ર.૧૨/૨૦૨૧-૨૨) પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પરીક્ષા સ્થળોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્મક હુકમો બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, સુરેન્‍દ્રનગર ખાતેના નિયત કરવામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રો (સ્થળો)ની આજુબાજુમાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

     આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની હદમાં આ આવેલા તમામ ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને  ઝેરોક્ષની દુકાનો સવારે ૮:૦૦ થી ૧૩:૦૦ સુધી બંધ રાખવા તથા પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં સેલ્યુલર/મોબાઈલ/સ્માર્ટ વોચ/બ્લુટુથ/ કેમેરા/ લેપટોપ/ ઈલેક્ટ્રોનિક ગેઝેટસ/કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે  સવારે ૮:૦૦ થી ૧૩:૦૦ સુધી વીજપુરવઠો ખોરવાઈ નહિ તે માટે ખોદકામ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

(12:48 am IST)