સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

સૌરાષ્‍ટ્રમાં ૨૦૧૭માં ભાજપને ૩ અને કોંગીને ૧ જિલ્લામાં એકેય બેઠક મળેલ નહિ

ફીર સે આયા મોસમ ચૂનાવ કા, ગિરગિટ (કાચીડો) સા રંગ બદલતે દાવ કા.... : સોમનાથ, મોરબી અને અમરેલી જિલ્લામાં ભાજપનું ધોવાણ : પોરબંદરમાં કોંગ્રેસનો રકાસ : ૪૮માંથી ભાજપને ૧૯, કોંગીને ૨૮, એન.સી.પી.ને ૧ બેઠક મળેલ

રાજકોટ તા. ૨૩ : રાજ્‍યમાં ધારાસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કે ૧ ડિસેમ્‍બરે મતદાન થનાર છે. જાહેર પ્રચારનું અઠવાડિયું પણ બાકી રહ્યું નથી. કયાં ઝોનમાં કયા પક્ષને કેટલી બેઠક મળશે. તેના અનુમાન થઇ રહ્યા છે. ૨૦૧૭ની સામાન્‍ય ચૂંટણીમાં સૌરાષ્‍ટ્રમાં ૪૮ પૈકી કોંગ્રેસને ૨૮ ને ભાજપને ૧૯ તથા એન.સી.પી.ને ૧ બેઠક મળી હતી. પાંચ વર્ષ પહેલાના અને અત્‍યારના સમીકરણોમાં ધરખમ ફેરફાર છે.

૨૦૧૭ના વર્ષમાં ભાજપને સોમનાથ, અમરેલી અને મોરબી જિલ્લામાં એકપણ બેઠક મળેલ નહિ. જૂનાગઢ, પોરબંદર અને બોટાદ અને સુરેન્‍દ્રનગરમાં એક-એક બેઠક મળેલ. જામનગરમાં બે તથા રાજકોટ અને ભાવનગરમાં ૬-૬ બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસને પોરબંદર જિલ્લામાં એકય બેઠક નહિ મળેલ. પોરબંદર - દ્વારકા અને બોટાદમાં એક-એક બેઠકો મળી હતી. રાજકોટ જિલ્લામાં બે, જામનગરમાં ત્રણ, જૂનાગઢમાં ચાર, મોરબીમાં ત્રણ, સુરેન્‍દ્રનગરમાં ચાર અને અમરેલી જિલ્લામાં તમામ પાંચ બેઠકો કોંગ્રેસે જીતી હતી.

૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની તીવ્ર અસર હતી. તે વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે સીધો જંગ હતો. આ વખતે આમ આદમી પાર્ટી જોશભેર મેદાને છે. ત્રિપાંખીયા જંગમાં કોને કેટલો ફાયદો કે નુકસાન થાય તે તો પરિણામ વખતે જ ખબર પડશે. રાજ્‍યમાં સરકારની રચનામાં સૌરાષ્‍ટ્રનો અગત્‍યનો ફાળો રહે છે.

(2:25 pm IST)