સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

લીલી પરિક્રમાના લીધે ભવનાથમાં લોકોને જતા-અટકાવવા માટે પોલીસ બંદોબસ્ત

જૂનાગઢ,તા. ૨૫: ચાલુ સાલે કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા લીલી પરિક્રમા બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હોઈ, જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા આયોજન કરી, લીલી પરિક્રમા બંધ રાખવામાં આવેલ હોઈ, શ્રદ્ઘાળુઓને બિન જરૂરી ભીડ ના થાય એ માટે લીલી પરિક્રમામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવેલ છે. લીલી પરિક્રમા ચાલુ સાલે બંધ હોવાથી કોઈને ભવનાથ વિસ્તાર કે લીલી પરિક્રમના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર નથી. ભવનાથ વિસ્તાર તથા જંગલ વિસ્તારના બીજા નાકાઓ તરફથી પણ લોકો પ્રવેશ ના કરે તે માટે ડીવાયએસપી ૦૧, પીઆઈ ૦૧, પીએસઆઇ ૦૪, પોલીસ ૭૫, હોમગાર્ડ ૧૦૦, જીઆરડી ૫૦, ટ્રાંફિક તેમજ મહિલા જવાનો સહિત આશરે ૦૬ જેટલા પોલીસ અધિકારીઓ, ૨૦૦ જેટલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિતની જુદી જુદી ટીમનો જરૂરી જડબેસલાક બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સ્મશાન ત્રણ રસ્તા, દામોદર કુંડ, ભવનાથ મંદિર, ભરડાવાવ, ગિરનાર દરવાજા, ગિરનાર પર્વત, જંગલમાં પ્રવેશવાના પોઇન્ટ જાબુંડિ નાકા, બોરદેવી જવાના ગેઇટ ઉપર, ગિરનાર સિદી ઉપર પોલીસ દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલ હોઈ, કોઈને પણ રૂટ ઉપર જવા દેવામાં આવતા નથી. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત રાખી, વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત, યાત્રાળુઓ હેરાન ના થાય તે માટે ભવનાથ જૂનાગઢ ખાતે લીલી પરિક્રમા બંધ હોવાથી યાત્રાળુઓને ધક્કો ના ખાવા પણ વિનંતી તથા અપીલ કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોઈ યાત્રાળુઓ ભવનાથ ખાતે આવેલ પણ નથી..

હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં લીલી પરિક્રમા બંધ રાખવામાં આવેલ હોઈ, તેમ છતાં, બંદોબસ્તનું આયોજન કરી, દિવસ ઉપરાંત રાત્રી દરમિયાન પણ ખાસ ચેકીંગ પણ હાથ ધરી, લોકોને જાણ કરી, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(1:01 pm IST)