સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

પોરબંદર : કોર્ટમાં ફોજદારી કેસ અને સીવિલ કેસોસ અલગ દિવસો રાખવા સહિત સૂચનો કરતુ બાર એસો.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.રપ : ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા હાઇકોર્ટને રજુઆતમાં લોકડાઉન સંદર્ભે જાહેર કરેલ સરકયુલરમાં સુધારો કરવા તેમજ કોર્ટમાં ફોજદારી કેસ તથા સીવિલ કેસના અલગ અલગ દિવસો રાખવા તેમજ સીનીયર ૬૦ વર્ષથી ઉપરના એડવોકેટ માટે ઓનલાઇન સુવિધા ચાલુ રાખવા સહિત વિવિધ સૂચનો કરેલ છે.

રજુઆતમાં જણાવેલ કે 'કોરોના' મહામારીના કારણે તમામ કોર્ટો માર્ચ-ર૦ર૦થી બંધ થઇ ગયેલી છે અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટની સુચનાથી હાલ ઓનલાઇન કોર્ટની કામગીરી ચાલુ થયેલ છે. પરંતુનામ. ગુજરાત હાઇકોર્ટના નવા સરકયુલર મુજબ આજથી એટલે કે, તા.ર૩-૧૧-ર૦ર૦થી તમામ કોર્ટો ચાલુ થઇ ગયેલ છે. પરંતુ હાલ સરકારી આંકડાઓ મુજબ તા. રર-૧૧-ર૦ર૦ના માત્ર ગુજરાતમાં ૧પ૧પ કેસ એટલે કે, માર્ચ-ર૦ર૦થી અત્યાર સુધીના હાઇએસ્ટ કેસ એક જ દિવસમાં તા. રર-૧૧-ર૦ર૦ના રોજ આવેલ છે અને તે રીતે હાલ કોરોનાની મહામારી ગંભીર સ્વરૂપે લીધેલ છે અને તેવા સંજોગોમાં જો તમામ કોર્ટો ચાલુ થાય તો એડવોકેટશ્રીઓને કોરોના થવાની મોટા પ્રમાણમાં સંભાવના રહેલ છે.

એડવોકેટશ્રીઓની આર્થિક મુશ્કેલી સંદર્ભે કોર્ટો ચાલુ થવી પણ જરૂરી છે. પરંતુ એવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે કે, જેથી કરીને કોઇ એડવોકેટશ્રીઓને પણ કોરોના મહામારીનો ભોગ ન બનવું પડે અને તે રીતે હાલ તમામ કોર્ટ રૂમમાં ડાયસની આગળ કાચ અથવા પ્લાસ્ટીક લાગી ગયેલ હોવાના કારણે તમામ જજશ્રીઓની સલામતી થઇ ગયેલ છે તે જ રીતે ખરેખર કોર્ટ રૂમમાં એડવોકેટશ્રીઓ માટે પણ નાની ચેમ્બરો બનાવી જરૂરી છે કે, જેથી કરીને કોઇ એડવોકેટ ડાઇરેકટ પક્ષકારના સંપર્કમાં ન આવે અને તે રીતે કોર્ટો ચાલુ કરતા અગાઉ એડવોકેટોની સલામતી પણ ધ્યાને લેવી જરૂરી છે.

જો યોગ્ય લાગે તો યોગ્ય સુધારા કેટલાક સુચનો રજુઆત સાથે કરેલ છે જેમાં જે કોર્ટોમાં ફોજદારી કેસો અને સીવીલ કેસો સાથે ચાલતા હોય તેમાં ફોજદારી કેસના દિવસો અને સીવિલ કેસના દિવસો અલગ-અલગ નક્કી કરવા તેવી તમામ કોર્ટોને સૂચના આપવી. એટલે કે, એક અઠવાડીયામાં ત્રણ-ત્રણ દિવસ સીવિલ અને ક્રિમીનલ કેસો માટે ફાળવવા.

૬૦ વર્ષથી ઉપરના એડવોકેટશ્રીઓ માટે ઓનલાઇન સુવિધા ચાલુ રાખવી અને તે માટે સવારે ૧૧-૦૦થી ર-૦૦ બાકીના વકીલો માટે અને ર-૦૦થી ૪-૦૦ સીનીયર વકીલશ્રીઓ માટે ગુજરાતની તમામ કોર્ટોમાં ઓનલાઇન સુવિધા ચાલુ રાખવી અને તે માટે નામ. કોર્ટોની કોઇ પરવાનગી લેવી ન પડે તે મુજબ પરિપત્રમાં સુધારો કરવો.

દરેક કોર્ટોએ ક્રિમીનલ કેસમાં માત્ર દશ જ કેસનું બોર્ડ બનાવવું અને તેમાં જ સાક્ષીઓને બોલાવવા અને આરોપીઓ હાજર ન રહે તો એકઝામશન રીપોર્ટ લેવાનો આગ્રહ ન રાખવો કે વોરંટ વિગેરે ન કાઢવા કે, જેથી કરીને નામ. કોર્ટમાં ખોટી ભીડ ન થાય તેમજ જે પક્ષકારો કોરોના મહામારી દરમ્યાન પોતાના કેસો ચલાવવા માંગતા ન હોય તો તેવા કેસોમાં કોઇ મુદત માંગ્યા વગર તમામ જજશ્રીઓ તારીખો આપી દે તે મુજબની યોગ્ય સૂચના આપવી કે, જેથી કરીને પણ કોર્ટમાં ખોટો માણસોનો ભરાવો ન થાય. આ સૂચનો અન્વયે યોગ્ય વિચારણા કરવા રજુઆતમાં જણાવેલ છે.

(11:25 am IST)