સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ભુજ આકાશવાણી કેન્દ્ર બંધ નહીં થવા દેવાય : સાંસદ વિનોદભાઈ ચાવડા

પુન : વિચાર કરવા કેન્દ્રીય મંત્રી સુચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર પાઠવ્યો

અમદાવાદ : કેન્દ્ર સરકારે ભુજ સહિત દેશના ૯૦ આકાશવાણી કેન્દ્રોને બંધ કરવાનો નિર્ણય લેતા કચ્છીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો આકાશવાણી બંધ થાય તો કચ્છી કલાકારો, કસબીઓ, સર્જકો તેમજ સાહિત્ય, સંસ્કૃતિને ગળે ટૂપો આપવા જેવી બાબત ઉભી થશેઆજે પણ કચ્છનાં ગામડાઓમાં આકાશવાણી વડીલોની પ્રથમ પસંદગી છે.ટી.વી. અને મોબાઈલના યુગમાં પણ કચ્છના ગામડાઓમાં રેડિયોનો સ્થાન અલગ છે. ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારીત થતા વિવિધ કાર્યક્રમોને આજે પણ લોકો રેડિયોના માધ્યમથી સાંભળે છે.

 કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ આકાશવાણી ભુજ કેન્દ્ર બંધ નહી થાય તેવી વાત કરી છે અને તેમણે કેન્દ્રીય સુચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરને એક ખાસ પત્ર લખીને આ નિર્ણય પર પુનઃવિચાર કરવા તાકીદ કરી છેે.

 કચ્છ સાથે વણાયેલું અને સરહદી દ્રષ્ટિએ પણ વ્યૂહાત્મક રીતે ભૂમિકા ભજવતું આકાશવાણીનું ભુજ કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લેવાતા યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભુજ આકાશવાણી કેન્દ્ર બંધ નહીં થવા દેવાય. કેન્દ્રીય સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરને એક ખાસ પત્ર લખી સાંસદ ચાવડાએ ભુજ કેન્દ્રને આકાશવાણી અમદાવાદ કેન્દ્ર સાથે જોડવાના નિર્ણય મુદ્દે અવાજ ઉઠાવી જણાવ્યું કે,કચ્છ જિલ્લો દેશની સરહદે પાકિસ્તાનને અડીને આવેલો એવો જિલ્લો છે કે જે અલાયદી સંસ્કૃતિ અને સ્થિતિ ધરાવે છે.

સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાના જનમાનસ પર રેડિયો અને તેમાંયે આકાશવાણીની એક આગવી છાપ છે. ગ્રામક્ષેત્રમાં આજેય તેની લોકપ્રિયતા અકબંધ છે અને તેની હાજરી અનિવાર્ય છે. પડોશી દેશના સાંસ્કૃતિક આક્રમણને રોકવા ઊલટાનું આ કેન્દ્રને વધુ શક્તિશાળી બનાવવાની દેશહિતમાં જરૂર છે. કચ્છહિતમાં સમયસર લખાયેલા સાંસદના આ પત્ર અને સમયસર ઉઠાવાયેલા અવાજને પગલે ભુજ કેન્દ્રનું પ્રસારણ અવિરત રહેસે તેવી શક્યતાઓ ઊભી થઈ છે

(10:46 pm IST)