સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th October 2021

દ્વારકામાં સી.આર.પાટીલનું ૨૬ જગ્યાએ સન્માન : ૨૧૦૦ યુવાનોના રાષ્ટ્રપ્રેમના સંકલ્પ

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિ : ૨૧ ખુલ્લી જીપ જોડાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ગઇકાલે ભાજપના મંત્રી રઘુભાઇ હુંબઇ આયોજીત દ્વારકાધીશના ધ્વજારોહણ કાર્યક્રમમાં રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા અનેક મંત્રીઓ, આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દ્વારકા આહિર સમાજેથી હજારો કાર્યકરો ગોમતી ઘાટ પાસેના રીલાયન્સના સુદામા સેતુ પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાધીશની ધ્વજાજીનું શાસ્ત્રોકત વિધિથી પૂજન થયું હતું. જેમાં કાર્યકરોની જનમેદની ઉમટી પડી હતી.

ધ્વજારોહણ પછી ૨૧ ખુલ્લી જીપમાં આગેવાનો સાથે સી.આર.પાટીલ, રઘુભાઇ હુંબલ, દ્વારકા ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ તથા મંત્રીઓ - કાર્યકરો શહેરમાં નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં બ્રાહ્મણ, વાઘેર, રાજપૂત, લોહાણા, સતવારા, રબારી, સોની, મોચી, ભરવાડ વિ. ૨૬ જ્ઞાતિ, સંસ્થાઓ દ્વારા સન્માન સ્મૃતિ ભેટો સાથે થયું હતું તથા ઢગલાબંધ ગુલાબના ફુલોની છોળ ઉડતા માર્ગ ગુલાબી થઇ ગયો હતો.

કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણ જગાડનાર તથા વિશિષ્ટ રીતે ૨૧૦૦ યુવાનોએ માથા પર રંગબેરંગી સાફા પહેરીને ભારત દેશ પ્રત્યે રાષ્ટ્રપ્રેમથી કટીબધ્ધ થવાનો સંકલ્પ લીધો હતો.

(1:16 pm IST)