સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th September 2022

પડાણા નજીક અજમેરી હોટલ સામે માતાના મઢના યાત્રીકની રિક્ષાને ટ્રક ચાલકે અડફેટે લેતાં બે બાળકો સહીત 4 લોકોના મોત

સામખિયાળી પાસે ઇટી કંપની સામે આગળ જતા ટ્રેઇલરમાં પાછળ આવતું ટેન્કર ટકરાતાં ટેન્કર ચાલકે જીવ ગુમાવ્યો

મોરબી :પૂર્વ કચ્છમાં રાત્રીના સર્જાયેલા બે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 4 માનવ જીંદગીનો ભોગ લેવાયો છે. જેમાં પડાણા નજીક અજમેરી હોટલ સામે માતાના મઢના યાત્રીકની રિક્ષાને ટ્રક ચાલકે અડફેટે લેતાં રિક્ષામાં સવાર બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા બાદ સારવાર દરમીયાન પરિવારના વડીલ અને યુવાને દમ તોડતાં મૃત્યુઆંક 4 થયો હતો, તો સામખિયાળી પાસે ઇટી કંપની સામે આગળ જતા ટ્રેઇલરમાં પાછળ આવતું ટેન્કર ટકરાતાં ટેન્કર ચાલકે જીવ ગુમાવ્યો હતો.
મોરબીના માનસર રહેતા શાકભાજીના ધંધાર્થી સવજીભાઇ નટુભાઇ પંસારાએ બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યો તેમની અને સાઢુભાઇની રિક્ષામાં માતાના મઢ દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ માંડવી ફરવા ગયા અને ત્યાંથી સાંજે મોરબી તરફ જવા નિકળ્યા હતા.તેમના સાઢુભાઇ પપ્પુભાઇ વસ્તાભાઇ પંસારાની રિક્ષા પડાણા પાસે અજમેરી હોટલ સામે પહોંચી ત્યારે પુરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે તેમની રિક્ષાને અડફેટે લેતાં 6 વર્ષીય જયદિપ રસિકભાઇ કુંઢીયા, 8 વર્ષીય આનંદ ઉર્ફે અનુપકુમાર પંસારાનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જ્યારે 60 વર્ષીય કાનજીભાઇ ગાંગજીભાઇ પંચાસી અને ફરીયાદીના સાઢુભાઇ રસિકભાઇ કેશુભાઇ કુંડીયાનું સારવાર દરમીયા મોત નિપજયુ હતું. તેમણે નોંધાવેલી ફરીયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ એસ.ડી.બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ મુળ રાજસ્થાનના ટેન્કર ચાલક ધર્મેન્દ્રસિંહ પ્રેમસિંહ રાજપુત કંડલા પોર્ટથી સીપીયુ તેલ ભરી કડી ખાલી કરવા રાત્રે નીકળ્યા હતા. રાત્રે પોણા બારે ઇટી કંપની સામે ટોલાનકા પર ટ્રાફીક હોવાને કારણે તેમણે પોતાનું વાહન ઉભું રાખ્યું હતું ત્યારે પાછળથી પૂરપાટ આવેલા ટેન્કરના ચાલકે તેમના ટેન્કરમાં જોરદાર ટક્કર મારતાં તે ટેન્કરના ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહો઼ચતાં તેનું મોત નિપજ્યું હોવાની ફરીયાદ તેમણે સામખિયાળી પોલીસ મથકે નોંધાવી હતી.
પડાણા હાઈવે નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પાર્થિવ દેહને લઈ જવાના પૈસા ન હોવાથી પરિવારજનો રૂબરૂ મળીને રામબાગ હોસ્પિટલ એમ્બ્યુલન્સ એસોસીએશન દ્વારા ચાર પાર્થિવ દેહને બે એમ્બ્યુલન્સથી અલગ અલગ ત્રણ ગામમાં દરેકના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય દર્દીઓને પણ યથાયોગ્ય મદદ કરવામાં આવી હતી. રામબાગ એમ્બ્યુલન્સ એસોશિયનના પ્રમુખ રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’એ વાક્યને સાચા અર્થમાં એમ્બ્યુલન્સ ગ્રુપ દ્વારા સાર્થક કરી બતાવ્યું છે

(3:45 pm IST)