સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th September 2022

ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપીર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવતા સીએચઓ પિન્કીબેન

ભુજ:ભુજ તાલુકાના ગોરેવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક આવેલ હાજીપીર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રના ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર કર્યો છે.

 દેશમાં 'પોલિયો મુક્ત ભારત અભિયાન' હેઠળ શૂન્યથી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણી ભરાયેલા દુર્ગમ વિસ્તારના ભીટારા મોટા અને ભીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરકલ, ગારવાંઢ ગામે ચારથી પાંચ કિલોમીટરથી વધુ ચાલીને તેમણે બાળકોને પોલિયોની ટીપા પીવડાવ્યા છે.

પિન્કીબેન પાસેથી મળેલ માહિતી મુજબ આ ગામોમાં મોટાભાગે બન્ની વિસ્તારના જત, સુમરા અને શેખ સમુદાયના પરિવારો વસે છે.  આ પરિવારો તેમની કેટલીક માન્યતાઓ, રિવાજો કે અન્ય કોઈ કારણોસર રસી કે આરોગ્ય સેવાઓ લેવાનું ટાળતા હોય છે. તેવા સમયે પિન્કીબેન સ્થાનિક પ્રા. શાળાના શિક્ષક અને સરપંચનો સહકાર લઈ સૌ મા-બાપને સમજાવી અને શૂન્યથી પાંચ વર્ષનાં ૭૦ જેટલા ભૂલકાઓને શોધી શોધીને ખૂબ જ વ્હાલથી પોલિયોના બે બુંદ પીવડાવી પોલિયોથી રક્ષિત કરવામાં સફળતા મેળવી છે.

 

 પિન્કીબેન મૂળ ગાંધીનગર જિલ્લાના સરઢવના વતની છે. તેમના પતિ અમદાવાદ ખાતે ફાયરમેન તરીકે ફ૨જ બજાવે છે. તેમ છતાં તેમના વહાલસોયા બાળકથી અને વતનથી ખૂબ જ દૂર અહીં એકલા રહી હાજીપીર આરોગ્ય કેન્દ્રમાં સંવેદનશીલતા અને સેવાભાવ સાથે લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાની ફરજ બજાવે છે, જેમાં તેમને તેમના પતિ શ્રી યોગેશભાઈ પટેલ અને તેમના મિત્ર જયંતીભાઈ શેખાણી તરફથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે

(10:56 am IST)