સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th September 2019

ગારીયાધાર બેંક ઓફ બરોડામાં રામના રખોપા ? સ્ટાફ જ નથી ?

૧૦ હજાર ગ્રાહકો વચ્ચે માત્ર ૧ કલાર્ક અને મેનેજર : મહિનાઓથી બેંકનું એટીએમ પણ બંધ જ છે :ગ્રાહકો વિફરે ત્યાર પહેલા મેનેજરે વ્યવસ્થા કરવા લાગણી

ગારીયાધાર તા.રપઃ ગારીયાધાર શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખા છેલ્લા કેટલાક સમયથી રામ ભરોસે ચાલતી હોય તેમ માત્ર બે જ કર્મચારીઓ સમગ્ર બેંકનું ગાડુ ગબડાવાઇ રહ્યું છે.

ગારીયાધાર બેંક ઓફ બરોડા શાખામાં ૧૦ હજાર જેટલા બેંકના ગ્રાહકો છે. જેમાંથી રોજબરોજની નાણાકીય લેવડ-દેવડ, પાસબુક, પ્રીન્ટો, લોન, કે અન્ય વ્યવહારો માટે છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉઠી રહી છે જેમાં સમગ્ર બેંકમાં એક કલાર્ક અને એક મેનેજરના ભરોસે તંત્ર ગબડાવાતું હોવાથી ગ્રાહકો તોબા પોકારી ઉઠયા છે.

સમગ્ર બેંક ખાતે લાંબા સમયથી બે જ કર્મચારીઓ હોવાથી ગ્રાહકો ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે. બી.ઓ.બી. બ્રાંચ અધિકારીઓ દ્વારા વહેલી તકે ગારીયાધાર શાખા બીજા કર્મચારીઓની ફાળવણી થાય તોજ આવી સમસ્યાઓનું સમાધાન શકય બને તેમ છે.

જયારે બેંકનું એટીએમ પણ મહિનાઓથી બંધ રહેતું હોવાથી ગ્રાહકોને ઇમરજન્સ્ીમાં નાણા ઉપાડવા માટે પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે.

(11:42 am IST)