સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

પોરબંદરમાં ગાંધી જયંતીએ માનવ સાંકળ રચીને ગાંધીજીના ચહેરાની અદ્ભૂત પ્રતિકૂતિ બનાવાશે

ચોપાટી ખાતે ડ્રોન કેમેરાથી વીડિયોગ્રાફી કરી બીગ સ્ક્રીન ઉપર જાહેર જનતા પ્રતિકૃતિ જોઇ શકે તેવી વ્યવસ્થા : ગીનીસ વર્લ્ડ રેકર્ડ તથા લીમકા રેકર્ડ બુકમાં નોંધ લેવાશે

પોરબંદર તા. ૨૫ : પૂ. મહાત્મા ગાંધીજીની આગામી ૨જી ઓકટોબરે ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીને ઐતિહાસિક બનાવવા રોટરેકટ તથા લીયો કલબ દ્વારા ચોપાટી મેદાન ખાતે માનવ સાંકળ રચીને ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરેલ છે.

આ આયોજનમાં ૬ થી ૮ હજાર બાળકો તથા નગરજનો જોડાઇને ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવશે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ તથા લીમકા બુક આઇ વર્લ્ડ રેકર્ડ તથા અન્ય વિશ્વ રેકર્ડમાં આ આયોજન નોંધાશે.

ડ્રોન કેમેરાથી આ પ્રતિકૃતિની વીડિયોગ્રાફી કરી ચોપાટી ઉપર બીગ સ્ક્રીન ઉપર જાહેર જનતા ગાંધીજીનો માનવ સાંકળથી બનાવેલ ચહેરાની પ્રતિકૃતિ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજન માટે સંસ્થાના હોદ્દેદારો ચીરાગ કારીયા, ધવલ મજીઠીયા, દિવ્યેશ મેઘનાથી, આરીફ રાઠોડ, લીયો કલબના સરજુભાઇ કારીયા, એડવોકેટ ભરતભાઇ લાખાણી, હિતેશભાઇ કારિયા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.(૨૧.૧૦)

(1:10 pm IST)