સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

ભુજમાં આયુષ્યમાન ભારત અંતર્ગત ૧૦ લાભાર્થીઓને સ્થળ પર જ ગોલ્ડન કાર્ડ અપાયા

ભુજ, તા.૨૫: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવેલ હતી જેનું જીવંત પ્રસારણ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ ભુજ ખાતે ઉપસ્થિત મહાનુભવો અને કાર્યક્રમમાં આવેલ લોકો દ્વારા નિહારવામાં આવેલ હતું જેના ભાગ રૂપે કચ્છ જિલ્લામાં ઉકત યોજનાનું શુભ આરંભ કરવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય,  વાસણભાઈ આહીરના હસ્તે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં સંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નિયતિબેન પોકાર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ફુલાબેન છાંગા, ભુજ નગપાલિકા પ્રમુખ શ્રીમતિ લતાબેન સોલંકી,  ડી.આર.ડી.એ. ડાયરેકટર  જોષી  અને સી.ડી.એમ.ઓ શ્રી ડો.કશ્યપ બુચ હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ યોજના લાભાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

 પ્રોગ્રામનું સંચાલન ડો. આર.કે.ભાર્ગવ ઈ.ચા. સી.ડી.એચ.ઓ અને જિલ્લા પંચાયત આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં કુલ ૧૦ લાભાર્થીઓને સ્થળ પર જ ગોલ્ડન કાર્ડ આપવામાં આવેલ હતા. કુપોષણ મુકત ગુજરાત અભિયાન ફેસ ૪  અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જિલ્લા ICDS શાખા તેમજ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના સહયોગથી મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૧૭૫ બાળકોની બાળરોગ નિષ્ણાત ડો. હસમુખ ચૌહાણ અને અદાણી હોસ્પીટલના અધિક્ષકશ્રી ડો. ભાદરકાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ કામગીરી માટે આરોગ્ય શાખા અને આઈસીડીએસ શાખા જીલ્લા પંચાયત કચ્છ દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ હતો તેવું ડો.પંકજ પાંડે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.(૨૨.૩)

(1:03 pm IST)