સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th September 2018

વરસાદ ન થાય તો શિયાળુ પાક પર જોખમ : ઘઉં, ચણા, જીરૂનું વાવેતર ઘટશે

મેઘરાજાએ મોં ફેરવી લેતા ચિંતાજનક સ્‍થિતિઃ કપાસ માટે પણ પાણી ઘટશે

રાજકોટ, તા. ૨૫ :. ચોમાસાની મોસમ લગભગ પુરી થઈ ગઈ છતાં રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં મેઘરાજાની મહેર અપુરતી રહેતા ખેતીનું ચિત્ર ધૂંધળુ બની ગયુ છે. જુલાઈના પ્રથમ વરસાદ વખતે જે ખેડૂતોએ વાવણી કરેલી ત્‍યાં પણ અત્‍યારે પાણીની મુશ્‍કેલી છે. શિયાળુ પાક માટે તો સ્‍થિતિ એકદમ ચિંતાજનક છે. જે વિસ્‍તારોમાં સિંચાઈની સગવડ નથી ત્‍યાં શિયાળુ પાકના વાવેતર સામે જ પ્રશ્નાર્થ છે.

સૌરાષ્‍ટ્રમાં શિયાળામાં મુખ્‍યત્‍વે ઘઉં અને ચણા ઉપરાંત તલી, રાયડો, જીરૂ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. આ બધા પાકને પાણીની ઓછી-વત્તી જરૂરીયાત રહે છે. સૌરાષ્‍ટ્રના મોટા ભાગના વિસ્‍તારોમાં શિયાળુ પાક માટે પાણીની સમસ્‍યા છે. અત્‍યારે જે કપાસ વાવેલો છે તે પણ છેલ્લા પાણીથી વંચિત રહે તેવી સ્‍થિતિ છે. પુરતુ પાણી ન મળવાથી કપાસની ગુણવત્તા અને જથ્‍થા પર અસર આવી શકે છે. અત્‍યારથી જ પાણીની મુશ્‍કેલી છે તો શિયાળામાં શું કરવું ? તેની ચિંતા ખેડૂતોને પરેશાન કરી રહી છે.

ખેડૂતો વર્તુળોનું કહેવુ એવુ છે કે, હજુ પણ વરસાદ આવે તો ફાયદો જ છે. ડેમ, ચેકડેમ, કુવા, બોર વગેરેમાં નવા નીર આવી જાય તો શિયાળુ પાક માટે ઘણી રાહત થઈ જાય તેમ છે. જો વરસાદ નહિં જ આવે તો શિયાળુ પાકની વાવણી અને ઉત્‍પાદન પર જોખમ છે. ઉત્‍પાદન ઘટતા તેના ભાવ પર અસર આવે તે સ્‍વભાવિક છે.

(11:10 am IST)