સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th July 2021

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર : ગીરનાર રોપવે બંધ કરાયો

વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો : મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચી

રાજકોટસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ ગીરનારમાં અનરાધાર વરસાદના લીધે રોપવે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે અને વરસાદને કારણે દામોદર કુંડના પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી, આમરોલી, તણખલા સાથે ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છોટાઉદેપુરના કવાંટમાં નાની ટોકરી પાસેથી પસાર થતી ટોકરવો ધામણી નદીમાં પૂર આવ્યું છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા 4થી વધુ ગામનો જીલ્લા સાથે સંપર્ક કપાયો છે. સાર્વત્રિક વરસાદના લીધે નસવાડીનું હાંડલી ગામ સંપર્ક વિહોળું બની ગયું છે. મુખ્ય ગામના રોડ પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાંડલીના ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં 4 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચી છે. જ્યારે 13,828 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાંથી 11653 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ, ધરમપુર, કપરાડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

બોડેલીમાં વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે. બોડેલીમાં છ કલાકમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના લીધે બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બોડેલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે.

(3:33 pm IST)