સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th June 2019

માત્ર ૧ ઇંચ વરસાદમા વિરમગામ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાઃ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પોલ ખુલી

વિરમગામમાં માત્ર ૧ ઇંચ વરસાદમા વિરમગામ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પોલ ખુલી થઇ હતી. રવિવારે રાત્રે ૨:૦૦ કલાકે ભારે વરસાદી ઝાપટુ પડતા સોમવારે સવારે પણ શહેરના રાજમાર્ગો ઉપર ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરસાદી ગટરો ઉપર થતા ગેરકાયદે બાંધકામ માં નગરપાલિકા અધિકારીઓની રહેમનજર, ટેબલ નીચે ની લેતીદેતી કરી મન ફાવે ત્યાં ગેરકાયદે બાંધકામ કરો જેના પરિણામે વરસાદી પાણીના નિકાલના કુદરતી સ્ત્રોત બંધ થયા હતા. વિરમગામ શહેરમાં રવિવારે રાત્રે ૨:૦૦ કલાકે ભારે વરસાદી ઝાપટા પડતા શહેરના ગોલવાડી દરવાજા,અક્ષર નગર,સેવાસદન રોડ શાક માર્કેટ પાસે,નાના પરપોટા, પરપોટાની બારી,અરિહંત ફ્લેટ મંગલમ સોસાયટી રોડ, આઇઓસી કોલોની રોડ વગેરે વિસ્તારોમાં સોમવારે સવારે પણ વરસાદી પાણી ભરાઇ રહેતા રાહદારીઓને ચાલીને નીકળવું અશકય બની ગયું હતું સવારે સ્કૂલના બાળકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા ત્યારે એક રાહદારીએ ગુસ્સામાં જણાવ્યું કે વીરમગામમાં વરસાદના સમયમાં દેવ દર્શન કરવા બહાર નીકળવું હોય તો માથા ઉપર પગ રાખીને નીકળવું પડે તેવી સ્થિતિ છે.(તસ્વીરઃ ફારૂક ચૌહાણ.સુરેન્દ્રનગર)

(1:16 pm IST)