સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th June 2018

સરકાર ફક્ત કાયદાઓ જ ઘડવામાં માને છે કે તેનો ચુસ્ત અમલ પણ કરાવશે?

ગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ

ગીર ગઢડાઃ જેની એક ત્રાડથી પગ નીચેથી જમીન સરકી જાય તેવાં ગીરનાં સાવજની, ગીરનાં ધણીની આજે દયનીય સ્થિતિ જોવાં મળી રહી છે. કહેવાય છે કે, ભૂખ ક્યારેય કોઈની સગી થતી નથી. ગીરનાં સાવજોની પણ આવી જ સ્થિતિ છે.

તેવામાં વધુ એક સાવજની પજવણી કરતો એક વધુ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગીર ગઢડાનાં ફરેડા ગામનો છે. જ્યાં એક વાડીમાં મોડી રાત્રે ઝાડ સાથે એક મરઘીને બાંધીને બાળ સિંહને લાલચ આપવામાં આવી રહી છે. સિંહ બાળ મરઘીને પકડવાની જેવી કોશિશ કરે છે કે કેટલાંક શખ્સો તેને દોરી વડે ઊંચે ખેંચી લે છે.

સિંહ બાળ પણ ભૂખનું માર્યું વારંવાર લાલચમાં તેને પકડવાની કોશિશ કરે છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે સિંહબાળની પજવણી કરવામાં આવી રહી છે. જોકે આ વિડીયો ક્યારે અને ક્યા સમયે રેકોર્ડ કરાયો છે તે હજુ જાની શકાયું નથી. મહત્વનું છે કે, આ પહેલાં પણ સિંહની પજવણીનો એક વીડિયો સામે આવી ચૂક્યો છે. જેમાં પણ કેટલાંક શખ્સો સિંહને મરઘીની લાલચ આપી તેની પજવણી કરતા ઝડપાયાં હતાં.

પરંતુ આ પજવણીનાં દ્રશ્યો પરથી અનેક સવાલો પણ ચોક્કસપણે ઊઠે કે આ સાવજને રંજાડનારા આ નરાધમો કોણ છે? કેમ વારંવાર આ પ્રકારનાં વીડિયો સામે આવ્યાં બાદ પણ વનવિભાગ ચૂપ કેમ છે. સિંહની આ રીતે વારંવાર પજવણી કરવી એ કેટલી યોગ્ય છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય સમયથી સિંહ દર્શનનાં નામે સિંહની પજવણી થાય છે પરંતુ આ પ્રકારનાં દ્રશ્યો સામે આવ્યાં બાદ પણ વન વિભાગની આંખો ખુલે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

(12:31 am IST)