સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

નરેન્દ્રભાઈની રાષ્ટ્રભકિત ઉપર કોઈ આંગળી નહીં ચીંધી શકેઃ પૂ. મોરારીબાપુ

રાજસ્થાનમાં આયોજીત શ્રીરામકથામાં વડાપ્રધાનની જીતને બિરદાવાઈઃ કાલે કથા વિરામ લેશે

રાજકોટ, તા. ૨૫ :. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારનો વિજય થતા પૂ. મોરારીબાપુએ નરેન્દ્રભાઈ મોદીને બીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

'હું સામાન્ય રીતે રાજનીતિથી દૂર રહું છું અને સલાહ નથી આપતો, પણ આજે વ્યાસપીઠ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ અભિનંદન આપું છું' એમ કહીને પ્રસિદ્ધ રામાયણી પૂ. મોરારીબાપુએ રાજસ્થાનના ડુંગરપુર ખાતે ચાલી રહેલી કથામાંથી ભારતના સ્પષ્ટ જનાદેશને શુક્રવારે વધાવ્યો હતો.

રાજસ્થાનના ડુંગરપુર ખાતે કથા રહી રહેલા મોરારીબાપુએ કથાના પ્રારંભે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સ્પષ્ટ બહુમતી મળતા કહ્યું હતું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય સંમેલનમાં આ જીતને રાષ્ટ્રની જીત ગણાવી તે વાતને હું વધાવું છું. દેશવાસીઓએ જાત-પાતથી ઉપર ઉઠીને રાષ્ટ્રને આગળ રાખીને જે નિર્ણય કર્યો તે ખૂબ સારી વાત છે. જનતાએ જેમના પર વિશ્વાસ કર્યો તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજપીઠને સાધુની વ્યાસપીઠ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું.' પોતે રાજનીતિથી દૂર રહેતા હોવાનું કહીને તેમણે ઉમેર્યુ કે ... પણ, રામચરિત માનસના આધારે એક સાધુ તરીકે એક સાધુને કહું છું કે લોકોએ તમારી જોલી ભરી દીધી છે, ત્યારે અનેક લોકો એવું ઈચ્છતા હતા કે તમને મત ન મળે, પરંતુ હું પ્રમાણપત્ર નહીં, બલ્કે પ્રેમપત્ર સાથે કહું છું કે રાજનીતિમાં સામ-દામ-દંડ-ભેદ બધુ ચાલે છે ત્યારે આ વ્યકિતની રાષ્ટ્રભકિત ઉપર દુનિયાનો કોઈ આંગળી નહીં ચીંધી શકે. હનુમાનજી તમને કાર્ય કરવા બળ આપે એવી પ્રાર્થના સાથે રાજસ્થાનની આ ધરતી પરથી આપનું રાજતિલક કરૂ છું. આ સાથે પૂ. મોરારીબાપુએ ભાજપના 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ' સૂત્રમાં 'સબ કા વિશ્રામ' શબ્દ ઉમેરવાની પ્રેરક સલાહ પણ આપી હતી.

કચ્છમાં ૮ જૂનથી શ્રીરામકથાનો પ્રારંભ

રાજકોટઃ કાલે રવિવારે રાજસ્થાનમાં આયોજીત શ્રીરામકથા વિરામ લેશે.  જ્યારે તા. ૮ થી ૧૬ સુધી કચ્છના મુંદ્રામાં ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, અહિંસાધામ, નંદી સરોવર ખાતે શ્રીરામકથાનું આયોજન કરાયુ છે.

(11:50 am IST)