સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

સુરતના મૃતક બાળકોને સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રધ્ધાંજલી અર્પણ

ટયુશન કલાસ બંધ કરવા માટે તંત્ર દ્વારા નોટીસ બાદ કાર્યવાહી

રાજકોટ, તા., રપઃ સુરતના ટયુશન કલાસમાં ગઇકાલે ભયંકર આગની ઘટના બનતા અનેક બાળકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે અને તંત્ર સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે અને ફાયર સેફટીના સાધનો અંગે સવાલો કરાયા છે.

ગઇકાલની આ દુર્ઘટના બાદ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં જુદી જુદી સંસ્થાઓ, શૈક્ષણીક સંકુલો, આગેવાનો, કાર્યકરો દ્વારા બાળકોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ટયુશન કલાસીસ બંધ કરવાના આદેશ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમરેલી

અમરેલીઃ ડાયનેમીક ગૃપના પ્રમુખ પ્રા.હરેશ બાવીશી તથા સભ્યોએ પણ ભાવપુર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.

ટંકારા

ટંકારાઃ શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ટંકારા દ્વારા આજે શોકસભા યોજાયેલ. શાળાના આચાર્ય દવે સાહેબ ભુતપુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર ભુતપુર્વ શિક્ષકો કે.એમ.નમેરા, કે.પી.ભાગીયા, સંચાલક ચંદ્રકાંતભાઇ કટારીયા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

સુરતમાં દુર્ઘટનામાં થયેલ વિદ્યાર્થીઓના કરૂણ મૃત્યુ માટે દુઃખની લાગણી વ્યકત કરી દિગવંતોને બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પેલ છે.

જામનગર

જામનગરઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ટયુશન કલાસીસ તથા રૂફ ટોપ રેસ્ટોરન્ટ ધરાવતી-ચલાવતી વ્યકિત-સંસ્થાઓને તા.ર૪ થી આ જાહેર નોટીસથી જાણ કરવામાં આવે છે કે તેઓના જે તે ટયુશન કલાસીસ અને રેસ્ટોરન્ટમાં જાહેર સલામતીને ધ્યાને રાખી સેફટી બાબતે જામનગર મહાનગર પાલીકાની ફાયર શાખાનું એન.ઓ.સી. તાત્કાલીક મેળવી લેવાનું રહેશે ત્યાં સુધી આવા કલાસીસ અને રેસ્ટોરન્ટ તાત્કાલીક અસરથી બંધ રાખવાના રહેશે.

(11:49 am IST)