સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

સુરેન્દ્રનગરમાં ૪ર ડીગ્રી તાપમાન

મહત્તમ તાપમાનમાં વધારો થતા અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં ફરી પાછો વધારો થયો છે. ગઇકાલે કંડલા એરપોર્ટ ઉપર ૪ર.૩, અમદાવાદ ૪ર.ર, સુરેન્દ્રનગર ૪ર.૦, રાજકોટ ૪૧.ર ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પર ફરી ગરમીએ જોર પકડયું છે. લોકસભા ચૂંટણીના ગરમાવા પછી હવે પ્રજાજનો વાસ્તવિક તાપ અનુભવી રહ્યા છે, એ સાથે જ શુક્રવારે કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાના અણસારરૂપે વાદળો છવાઇ ગયા હતા અને હવામાં ભેજનું પ્રમાણ પણ વધી જતા બફારો વર્તાયો હતો. રાજકોટના આકાશમાં સવારથી જ વાદળો છવાઇ ગયા હતાં અને સાંજે તો તેજ પવન પણ ફુંકાવાથી એવું લાગતું હતું, જાણે હમણાં વરસાદ આવી પહોંચશે ! બપોરે જો કે અંગ દઝાડતો તાપ પડયો હતો. એમાં સરેરાશ ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળો પવન ફૂકાતા લૂ વરસી હતી. ભાવનગરમાં ૩પ, કંડલામાં ૩૩ અને મહુવામાં ર૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળો પવન ફૂંકાયો હતો. શુક્રવારે કંડલા ૪ર.૩ ડીગ્રી સેલ્સીયસ સાથે રાજયભરમાં સહુથી ગરમ શહેર બની રહ્યું હતું.

આગામી ચાર દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ગુજરાતના પાડોશી રાજયોમાં હીટવેવ ફરી વળવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગરમીનું જોર વધે એવું હવામાનવિદોનું અનુમાન છે.

પોરબંદર

પોરબંદર : પોરબંદરમાં ઉકળાટ યથાવત છે જોકે મહત્તમ તાપમાનનો પારો ૩૪.૩ ડીગ્રી રહ્યો હતો.

(11:48 am IST)