સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

હત્યા કેસના આરોપી જેન્તી ડુમરાને ભચાઉ સબ જેલમાં એરકુલર, મોબાઈલ ફોન, ટીવી, દારૂ, નોકર સહિતની સુવિધાઓ

જોકે, સ્ટાફમાં માત્ર જેલ ગાર્ડ વિરૂદ્ઘ ગુનો, જેન્તી તેના નોકર સામે પણ ગુનો દાખલ, જેલ બની મહેલ!!

ભુજ, તા.૨પઃ  જેન્તી ભાનુશાલી જેવા ભાજપના મોટા ગજાના નેતાની હત્યા સહિત બેંક ફ્રોડ કૌભાંડના આરોપી જેન્તી ડુમરા પોલીસની કાર્યવાહી અને કોર્ટની કડકાઇથી આમ તો જેલમાં છે. પણ, એ જેલની અંદર તેને મહેલ જેવી સગવડો મળે છે. હા, જેલ એટલે સજાનું સ્થળ એવી વ્યાખ્યા પૈસા ખર્ચી શકતા અમીર ગુનેગારો માટે નથી. માત્ર નાના અને કાયદાથી ડરતા લોકો માટે જ જેલ સજાનું સ્થળ છે. જેન્તી ડુમરાને ભચાઉ સબ જેલમાં મળતી સુવિધાઓનો પર્દાફાશ ખુદ પોલીસે જ કર્યો છે. બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાદ્યેલા દ્વારા જેલની સરપ્રાઈઝ ચેકીંગના થયેલા આદેશને પગલે જયારે ભચાઉ પોલીસે સબ જેલમાં ચેકીંગ કરી ત્યારે જેન્તી ઠકકર ઉર્ફે જેન્તી ડુમરા નશાની હાલતમાં અન્ય આરોપીઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી ભચાઉ સબ જેલની અંદર જેન્તી ડુમરાને ડિશ ટીવી, એરકુલર, ખુરશી, મોબાઈલ તેમ જ પોતાનો ખાનગી નોકર રાખવાની સગવડ પણ અપાઈ હતી. હવે, જેલરની જાણ હેઠળ કે પછી જાણ બહાર આવી સુવિધાઓ કેમ અપાઈ તે તપાસનો વિષય છે, પણ પોલીસે અત્યારે તો જેલ સ્ટાફમાં એક માત્ર જેલ ગાર્ડ ડાયા કોલી (મામલતદાર કચેરીના પટાવાળા) વિરુદ્ઘ ગુનો નોંધ્યો છે. જયારે અન્ય ગુનેગારોમાં જેન્તી ડુમરા તેમ જ તેના ખાનગી નોકર રઝાક ઇબ્રાહિમ તુર્ક વિરુદ્ઘ ગુનો દાખલ કર્યો છે. જોકે, આ કેસ અંતર્ગત પોલીસે જેન્તી ડુમરાની ધરપકડ કરી ભચાઉ કોર્ટમાં રજૂ કરતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જોઈએ, હવે પોલીસ પૂછપરછમાં શું વિગતો બહાર આવે છે.

(11:45 am IST)