સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

હેરોઇનની કિંમત ૧૦૦૦ કરોડ, સફદરઅલી એક ખેપ મારી ગયો હતો પણ ડિલિવરી થઇ નહીંઃ દરિયામાં જ કરવાની હતી ડિલિવરીઃ પાક-ભારત વચ્ચે ડ્રગ્સ માફિયાઓની જાળ

જખૌ-પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં ચોંકાવનારા ખુલાસાઃ સફદરઅલી મુખ્ય કેરિયરઃ૬ પાકિસ્તાનીઓના બે દિવસના રિમાન્ડ મંજુર

ભુજ, તા.૨પઃ જખૌ નજીક અરબી સંમુદ્રમાંથી ૩ દિવસ પહેલા ઝડપાયેલ કરોડો રૃપીયાના ડ્રગ્સના કેસમાં નવા ધટસ્ફોટ થઇ રહ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલા ૬ પાકિસ્તાની શખ્સોને ગઈ કાલે પૂછપરછ બાદ ડીઆરઆઈ દ્વારા રાત્રે ભુજ કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાઇ હતી. જેમાં કોર્ટે ૨ દિવસના રીમાન્ડ મંજુર થયા છે. તપાસ દરમ્યાન ઝડપાયેલા જથ્થાની કિંમત ૧૦૦૦ કરોડ આંકવામા આવી છે તો તપાસ દરમ્યાન સૌથી મોટો ધટસ્ફોટ એ થયો છે. કે આરોપી પૈકી સફદરઅલી શેખ ૧૫ દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો લઇને અન્ય ૧૧ સાગરીતો સાથે આવ્યો હતો. પણ જખૌ પોરબંદર નજીક દરિયામાં ડ્રગ્સની ડિલિવરીઙ્ગ લેવા માટે ભારતમાંથી કોઇ ન આવતા પરત ફર્યો હતો. જોકે, ૧૫ દિવસ બાદ ફરી આવેલો સફદરઅલી ભારતીય એજન્સીઓના હાથે ઝડપાઇ ગયો હતો. ભારતના યુવાધનને નશીલા ડ્રગ્સના રવાડે ચડાવીને બરબાદ કરવાના ખતરનાક મનસૂબા ધરાવતા હતા.

૬ પાકિસ્તાની શખ્સોના ૨ દિવસના રીમાન્ડ ભુજ કોર્ટે મંજુર કર્યા હતા. આ કેસમાં ડીઆરઆઈ વતી મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો સાથે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત કરીને આ તપાસ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે મહત્વની હોવાનું જણાવ્યું હતું. આ ૬ ડ્રગ્સ કેરિયરો દ્વારા લઈ અવાયેલ સેટેલાઇટ ફોન અને ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો એ તપાસ ખૂબ જ જરૃરી છે. પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ માટે ટ્રાન્ઝિસ્ટ પોઇન્ટ બની ગયેલા ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ૩ દિવસ પહેલા ડી.આર.આઇ અને કોસ્ટેગાર્ડે કરેલા ઓપરેશન બાદ ઝડપાયેલા તમામ શખ્સોની પુછપરછ ચાલુ છે. ગઇકાલે તેમના વિરૃધ્ધ ડી.આર.આઇમા ગુન્હો નોંધ્યા બાદ ઝડપાયેલી અલમદીના બોટના ૬ પાકિસ્તાની નાવીકો (ડ્રગ્સ કેરિયરો)એ પ્રાથમીક તપાસમાંજ તેઓએ અનેક ચોંકવાનારા ખુલાસા કર્યા છે.

(૧) સફદરઅલી શેખ આજથી ૧૫ દિવસ પહેલા એક બોટ અને ૧૧ ખલાસી સાથે આજ જથ્થો આપવા નિકળ્યો હતો જો કે ભારતમા તે જથ્થો કોઇ લેવા મધદરિયે ન આવતા તે પરત ફર્યો હતો.

(૨) પરત ફર્યા બાદ તે નવા ૫ શખ્સો સાથે પાકિસ્તાનના કરાચીથી નિકળ્યો હતો. અને ભારતમા જથ્થો પહોચાડવાનો હતો પરંતુ તે પહેલા પકડાઇ ગયો.

(૩) કોસ્ટગાર્ડની ટીમને જોઇ પાકિસ્તાની શખ્સોએ અમુક જથ્થો દરિયામા ફેંકયો હતો આ તમામ જથ્થાની ગણતરી બાદ હેરોઇન જથ્થાની કિંમત ૧૦૦૦ કરોડ પહોંચી છે.

(૪) સેટેલાઇટ ફોન પણ તેઓએ દરિયામા ફેકંયો હોવાની શકયતાના આધારે એજન્સીઓએ તપાસ શરૃ કરી છે.

(૫)ગુજરાતના દરિયામા આ જથ્થો કોને આપવાનો હતો કોણ લેવા આવવાનુ હતુ તે દિશામા તપાસ માટે રીમાન્ડની માંગણી કરાઇ પ્રાથમીક તપાસમા ભારતીય બોટમાં મોહમદ રમઝાન' કોડ સાથે આ ડ્રગ્સની ડિલિવરી અન્ય બોટ લેવાની હતી. ડિલિવરી લેનાર બોટ ભારતની હોવાની અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની ભારતીય ડ્રગ્સ માફિયાઓ સાથે સાંઠગાંઠની શકયતા સાથે તમામ બાબતોની તલસ્પર્શી તપાસ થઈ રહી છે. ઝડપાયેલા આ ડ્રગ્સ કેરિયરો અગાઉ જથ્થો ગુજરાતના દરિયાકાંઠે લાવ્યા છે કે નહીં તેમ જ પાકિસ્તાનથી જથ્થો કોણે મોકલ્યો એ તમામ તપાસ ડી.આર.આઇ સાથે ગુપ્ત એજન્સીઓ કરશે.

સફદરઅલી શેખની પ્રાથમીક પુછપરછમા તે નિવેદનો બદલી રહ્યો છે. તેનો તેનો ગુન્હાહીત ઇતિહાસ હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ છે. ત્યારે તેની સાથેના શખ્સોની ભુમીકા સહિત ગુજરાતથી આ જથ્થો કયા જવાનો હતો તે તમામ બાબતો પર તપાસ માટે ૬ શખ્સોના બે દિવસના રીમાન્ડ મેળવાયા છે. અને તે દરમ્યાન વધુ ખુલાસા થાય તેવી શકયતા છે.

ડ્રગ્સને ભારતમા મોકલવા માટે પંજાબ બાદ ગુજરાતની પસંદગી થઇ હોય તેમ કરોડો રૃપીયાના ડ્ગ્સની હેરફેર માટે ગુજરાતને દરિયો પસંદ કરાઇ રહ્યો છે. જો કે એક તરફ એજન્સીઓ તેના પર કાર્યવાહી કરી રહી છે. પરંતુ બીજી તરફ સુરક્ષા એજન્સીઓની ચુંક તપાસ દરમ્યાન સામે આવી રહી છે. કેમકે આ તો જે જથ્થો પકડાયો છે. તેનો આંક છે. પરંતુ ગુજરાતના દરિયા કિનારેથી પગ કરી ગયેલા કરોડો રૃપીયાના જથ્થાની વાત પણ નકારી સકાય નહી ત્યારે જોવુ રહ્યુ ઝડપાયેલા ૬ પાકિસ્તાની શખ્સોની પુછપરછમા શુ નવા ખુલાસાઓ થાય છે. તેમ જ તેમની ભારતીય લિંક શું નીકળે છે.(૨૩.૮)

 

(10:29 am IST)