સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th May 2019

રવિવારે ચરાડવા શ્રી મહાકાળી માતાજીનો દશમો પાટોત્સવ પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાશે

પરમ શિષ્ય શ્રી અમરગીરીજી મહારાજની પાવન નિશ્રામાં ૨૬મીએ ચંડીયજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા. ૨૪ :. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના દેવળીયા રોડ ઉપર ચરાડવામાં આવેલા શ્રી મહાકાળી આશ્રમે તા. ૨૬-૫-૧૯ને રવિવારે શ્રી મહાકાળી માતાજીના ૧૦માં પાટોત્સવનું પ.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અધ્યક્ષતામાં આયોજન કરાયુ છે.

ભગવતી જગતજનની, અખિલ બ્રહ્માંડ શબ્દાત્મક કરૂણાકારણી ભકત ભય હરિની ભગવતી શ્રી મહાકાળી માતાજી તથા શ્રી અંબાજી માતાજીની કરૂણામય કૃપાથી તેમજ ૧૨૬ વર્ષની દીર્ઘાયુ ધરાવતા વચનસિદ્ધ સંત શ્રી મહાકાળી કૃપાનુગ્રહી પ.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજ તથા શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજ તથા સર્વે ભકતજનોના સહકારથી શ્રી મહાકાળી આશ્રમ મધ્યે શ્રી ભગવતી મહાકાળી માતાજી મંદિરનો ૧૦મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે.

શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં આયોજીત માતૃવેદ શકિત સંહિતા શ્રી મહાકાળી માતાજીના દશમા પાટોત્સવ પ્રસંગે તા. ૨૬-૫-૧૯ને રવિવારે આ ધાર્મિક પ્રસંગે સિદ્ધ-પ્રસિદ્ધ સંતો-મહંતો, મહાનુભાવો પધારશે.

જેમા સવારે ૮ વાગ્યે શ્રી મહાકાળી માતાજી અને ગુરૂવર્ય પ.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજશ્રીના સાનિધ્યમાં ચંડીયજ્ઞ સાથે પ્રારંભ થશે અને સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. યજ્ઞના આચાર્યપદે દર્શનભાઈ રાવલ વિધિવિધાનપૂર્વક શાસ્ત્રોક વિધિ કરાવશે.

તા. ૨૬-૫-૧૯ને રવિવારે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. મહાપ્રસાદ તથા શ્રી મહાકાળી માતાજીની મૂર્તિના સંપૂર્ણ શણગારના દાતા નિલમબેન જયેશભાઈ મકવાણા (મોરબી) છે.

ભાવિક ભકતજનોને આ મહાયજ્ઞના દર્શન કરવા તેમજ પ્રસાદ લેવા પધારવા પ.પૂ. સંતશ્રી દયાનંદગીરીજી મહારાજ, પરમ શિષ્ય અમરગીરીજી મહારાજ તથા સેવકગણ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

વધુ વિગત માટે પ.પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજ, શિષ્ય શ્રી અમરગીરીજી મહારાજ, શ્રી મહાકાળી આશ્રમ, દેવળીયા રોડ, ચરાડવા, તા. હળવદ મો. નં. ૯૪૨૯૬ ૫૦૫૧૫ અથવા મો. ૭૮૭૮૦ ૪૪૪૪૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

(10:28 am IST)