સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th May 2018

પશુઓમાં થતા બૃસેલા રોગની પાંચ-છ નાગરિકોને અસર પહોંચીઃ જેતપરમાં ભેંસોના સેમ્પલ લેવાયા

મોરબી, તા.૨પઃ મોરબીના જેતપર ગામે બૃસેલા બેકટેરિયાની ઝપેટમાં પાંચથી છ દર્દીઓ આવી ગયા હોય જેથી આરોગ્ય તંત્ર દ્વારા તાકીદના પગલે ભેંસના સેમ્પલ લઈને લેબોરેટરી માટે મોકલી આપ્યા છે તો તમામ દર્દીઓની તબિયત હાલ સ્થિર છે.

મોરબીના જેતપર ગામેં ગાય-ભેંસના દૂધ પીવાથી થતા બૃસેલા રોગના લક્ષણો દેખા દેતા પશુ વિભાગની ટીમ દ્વારા તાકીદના પગલા લેવામાં આવ્યા હતા જેમાં એક દર્દીને બૃસેલાની અસર થતા તેની સારવાર કરવામાં આવી હતી અને ભેંસના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી જોકે તમામ સેમ્પલ નેગેટીવ આવ્યા હતા જોકે તાજેતરમાં પાંચથી છ લોકોને બૃસેલાની અસર થતા રાજકોટ ઉપરાંત મોરબી, ટંકારા, માળિયાના પશુ ડોકટરોની ટીમ બનાવી ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સાત ભેંસ અને એક ગાયના લોહીનું સેમ્પલ લઈને લેબમાં મોકલાયું છે તે ઉપરાંત રોગ ફેલાતો અટકે તે તકેદારીના ભાગ રૂપે ૨૯ વાછરડાઓને વેકસીન કરવામાં આવ્યું હતું

હાલ બૃસેલાની અસર પામેલા તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને યોગ્ય સારવાર બાદ રીકવરી જોવા મળી છે જેતપર ખાતેના પશુ દવાખાનાના ડોકટર ચીખલીયાએ જણાવ્યું હતું કે સાત ભેંસને સેમ્પલ લઈને રાજકોટ તથા અમદાવાદની લેબમાં મોકલ્યા છે જેના રીપોર્ટ આવ્યા બાદ આગળના પગલા ભરાશે તેમજ હાલ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને નાગરિકોએ ચિંતા ના કરવાની પણ સલાહ આપી હતી. તંત્ર યોગ્ય કદમ ઉઠાવી રહ્યું છે અને નાગરિકોને દૂધ ઉકાળીને પીવા માટે પણ જણાવી દેવાયું છે.

(3:52 pm IST)