સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th May 2018

કચ્છ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનો જિલ્લા કાર્યાલય પર હલ્લાબોલઃNSUIના એક સામટા રાજીનામા

ભુજ, તા.૨૫ : ગઈકાલે સાંજે કચ્છ કોંગ્રેસ જિલ્લા કાર્યાલયે એકાએક ધસી આવેલા જિલ્લા NSUIના વિદ્યાર્થી પાંખના હોદ્દેદારોએ હલ્લાબોલ કરી પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો. દરેક કોલેજના હોદેદારો અને જિલ્લા સંગઠનના હોદેદારો એ સામુહિક રાજીનામું આપીને રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. NSUIના સ્થાનિક સંગઠનમાં થયેલા ભડકા અંગે રવિ ડાંગરે જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ પહેલાં આંતરિક ચૂંટણી લડીને જીત્યા બાદ NSUIના જિલ્લા પ્રમુખ બન્યા છે. હવે એકાએક કાર્યકારી પ્રમુખ બનાવીને NSUIના કચ્છના સંગઠનનું માળખું વિંખવાનો આ પ્રયાસ NSUIના કાર્યકરો સહન નહીં કરે એટલે આ સામુહિક રાજીનામા પડ્યા છે.

NSUIના કચ્છ જિલ્લાના પ્રમુખ રવિ ડાંગરે એ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમણે રાજીનામુ નથી આપ્યું. પણ, અન્ય ૨૦૦ જેટલા હોદ્દેદારોએ ફલ્શ્ત્માંથી રાજીનામા જિલ્લા કોંગ્રેસને આપ્યા હોવાનો દાવો રવિ ડાંગરે કર્યો હતો. આક્રોશ સાથે રવિ ડાંગરે આ ફેરફાર માટે કચ્છ કોંગ્રેસની જુથબંધીને કારણભૂત ગણાવી હતી. જોકે, તેમણે નામજોગ આક્ષેપ કરવાનું ટાળીને આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને રજુઆત કરવાની વાત કરી હતી. એક બાજુ કોંગ્રેસ યુવાનોને જોડવાની વાત કરે છે બીજીબાજુ કચ્છ કોંગ્રેસનું સ્થાનિક રાજકારણ યુવા સંગઠનને તોડવાનું કામ કરે છે એવો આક્ષેપ NSUIના યુવા કાર્યકરો એ કર્યો છે.

(11:53 am IST)