સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th May 2018

વિસાવદર તાલુકાના ધ્રાફડ ડેમમાંથી ૭ હજાર ઘનમીટર માટી કઢાઇઃ પાણીના તળ ઉંચા આવશે

જૂનાગઢ, તા.૨પઃ રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનને જુનાગઢ જિલ્લામાં લોક પ્રતિસાદ મળતા સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર તળાવો અને ચેકડેમ ઉંડા કરવામાં આવી રહ્યા છે.

વિસવાદર તાલુકામાં આવેલ ધ્રાફડ ડેમ જળ અભિયાનમાં સફળતાનું સાક્ષી બન્યું છે. સિંચાઇ વિભાગ દ્વારા ધ્રાફડ ડેમમાં ફળદ્રુપ માટી કાંપ કાઢવાનું નક્કી થયું ત્યારથી ખેડુતોમાં હર્ષની લાગણી વ્યાપી છે. છેલ્લા ૧૫ દિવસથી ચાલતા ધ્રાફડ ડેમના જળયજ્ઞમાં અત્યાર સુધીમાં ૭૦૦૦ ઘન મીટર માંટીકાંપ કાઢવામાં આવેલ છે. કુલ ૭૮૦૦ ઘનમીટર માટી કાઢવાનું આયોજન હતું. આમ, ધ્રાફડનું કામ પૂર્ણ થયું છે.

હાલ ધ્રાફડમાં બે જેસીબી થી ૩૫ ટ્રેકટર માટી કાઢવા માટે કાર્યરત છે. છ ગામના ખેડુતો માટી પોતાના ખેતરમાં પાથરી રહ્યા છે. આ અભિયાનથી ૩૫૦ વિદ્યા જમીન ફળદ્રુપ થઇ છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર વી.સી.રાખોલીયાએ જણાવ્યું હતું. સરસઇ ગામના મણીભાઇ રીબડીયા અને વલ્લભભાઇ સાવલીયાએ પ્રતિભાવ આપ્યો કે, અમારે ફળદ્રુપ માટીની જરૂર હતી. ધ્રાફડની માટી અમારા માટે કાચા સોના સમાન છે. સરકારના આ અભિયાનથી પાણી આવશે અને જમીન સુધરતા ખેતીની આવકમાં વધારો થશે.

(11:47 am IST)