સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th May 2018

લોકશકિતએ સમ્રાટ અશોકને ગિરનારમાં સુદર્શનના નામે દેશનું પહેલું તળાવ બાંધવા પ્રેરણા આપી હતી

જુનાગઢ અને જળ સંચયને પૌરાણિક નાતોઃ જૂનાગઢના નાગરોના જૂનવાણી મકાનમાં ભૂગર્ભ ટાંકા પ્રજાની જળ સિંચનના જૂના સંસ્કારોનું પ્રતિબિંબ

જૂનાગઢ  : જળ સિંચન અને જૂનાગઢનો નાતો બહુ પુરાણો છે.  પ્રાચીન ભારતમાં  પહેલું તળાવ જૂનાગઢમાં બન્યું હતું. ઇ.સ. પુર્વે ૨૭૬ થી ૨૫૦ આસપાસ એટલે કે ૨૨૫૦થી વધું વર્ષ પહેલા સમ્રાટ અશોકના સમયમાં ગિરનારની ગોદમાં સોનરખ નદી પર સમ્રાટના વહીવટદાર સુબા પુષ્પગુપ્તે  સુદર્શન તળાવ બાંધ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે જૂનાગઢના લોકોએ શ્રમદાન કર્યું હોય. એટલે કહી શકાય જળ સિંચન તો જૂનાગઢના લોકોમાં લોહીમાં છે.

જૂનાગઢના જુનવાણી અનેક વિસ્તારમાં ભૂગર્ભ ટાંકા છે. નાગરોના મકાનમાં પણ જૂનવાણી ટાંકા વરસાદના પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવતા હતા. જે આજે પણ મોજુદ છે. જોકે હવે ઓજી વિસ્તારમાં નવા મકાનમાં અગાસીનું વરસાદનું પાણી ઘરના મકાનનાં ટાંકામાં  જ સંગ્રહિત થાય તે રીતે ઘણા જાગૃત પરિવારો જળ સિંચન કરી રહયા છે.

જૂનાગઢની ઐતિહાસીક વિરાસતો પણ જોવા લાયક છે. ઉપરકોટ હોય કે બહાઉદીન કોલેજ, બૌધ્ધગુફાથી માંડી કલાત્મક જળ મંદિર સમાન વાવો. આ બધા જ  કાર્યોમાં લોકોનો સહયોગ અને શ્રમદાન રહેલું છે. જૂનાગઢમાં આવેલા જળ કુંડ અને વાવ પણ એક સમયની શ્રેષ્ડ જળ વ્યવસ્થાપન વ્યવસ્થા છે. આ બધામાંથી પ્રેરણા લઇને જૂનાગઢના લોકો રાજય સરકારના જળ અભિયાનને પ્રતિસાદ આપી રહયા છે.

મહાત્મા ગાંધી જૂનાગઢ સ્ટેટના બારખલીદાર ખેડુ ખાતેદાર હતા. તેમણે પણ  જળ સિંચન માટે પ્રજાને પ્રેરણા આપી હતી. ગાંધીજીના પોરબંદર ખાતેના મકાનમાં ભૂગર્ભ ટાંકો છે. વરસાદનું પાણી વાપરી શકાય અને જળ સમસ્યા ન રહે તે માટે સૌને પ્રેરીત કર્યા હતા.

રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન ચાલી રહયું છે. જુનાગઢ અને જિલ્લાની અનેક સંસ્થાઓ આ જળ અભિયાનમાં સહભાગીતા કરી રહી છે. જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવર, વાઘેશ્રરી તળાવ અને ઝાંઝરડાનું તળાવ કે  જે બહું જૂના છે તે સહિત ૬ તળાવો ઉંડા થઇ રહયા છે. આ  ઉપરાંત જિલ્લાના ૧૩૭ તળાવો અને ચેકડેમને ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. મનરેગા દ્વારા ૧૨૧ કામો ચાલુ છે. વંથલી આખા ગામે નદીને પુનૅં જીવીત કરવામાં આવી રહી છે. ધ્રાફડ સહિતના ડેમોમાં પણ કાંપ કાઢવાની કામગીરી ચાલી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં ૪.૫૦ લાખ ઘન મીટર માટી કાંપ કાઢી જમીનને ફળદ્રુપ કરવામાં આવી રહી છે.જેથી જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. આગામી ચોમાસામાં વરસાદનું પાણી વધું સંગ્રહ થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને લોક સંસ્થાઓ અને ખેડુતો કટીબધ્ધ છે.સુજલામ સુફલામ એક નારો નહી; પણ જીવનની શ્રધ્ધાની જેમ આખરી મુકામ તરફ આગળ વધી રહયો છે.

આલેખન : નરેશ મહેતા, માહિતી ખાતુ, જૂનાગઢ

(9:26 am IST)