સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

ગોંડલના માંડણકુંડલા ખોડિયાર માતાજીના મંદિરમાં લાખો રૂપિયાની ચોરી

પારખીયા પરિવારના કુળદેવી માતાજીના મંદિરે તસ્કરો ત્રાટકયાઃ સોના-ચાંદીના છત્તર અને દાગીનાની ઉઠાંતરી કરીને નાસી છૂટયાઃ પોલીસ તપાસનો ધમધમાટ

ગોંડલઃ માંડણકુંડલા ગામે આવેલ પારખીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા અને લાખો રૂપિયાની ચોરી કરીને નાસી છૂટયા હતા. તસ્વીરમાં માતાજીનું મંદિર તથા વેરવિખેર સામાન અને પોલીસ ટીમ તપાસ કરતી નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૨૫ :. ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે આવેલ પારખીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈને નાસી છૂટતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ માંડણકુંડલા ગામે આવેલ પારખીયા પરિવારના ખોડિયાર માતાજીના મંદિરમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને માતાજીના મંદિરમાં રહેલ ૮ તોલા ચાંદીના છત્તર, ૨ તોલા સોનાના ચેઈન, વિંટી, છત્તર તથા રોકડા રૂ. ૩૨૦૦૦ સહિત ૮ કિલો ચાંદી અને ૨ તોલા સોના સહિત લાખો રૂપિયાની ચોરી કરીને નાસી છૂટયા હતા. તસ્કરોએ માતાજીના મંદિરમાં કબાટ સહિતની વસ્તુઓમાં વેરવિખેર કરીને નાસી છૂટયા હતા.

આ બનાવ બાદ મંદિરના સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરવામા આવતા ગોંડલ તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)