સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

ભુજની પરિણીતાની આત્મહત્યા નહીં પણ હત્યા, મોબાઈલમાં અન્ય યુવતીનો ફોટો જોઈ પત્નીએ સવાલ કરતાં દુપટ્ટા વડે ટુંપો દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : (ભુજ) ભુજમાં ત્રણ દિવસ પહેલાં હિનાબેન દિનેશ ગોસ્વામી નામની બાવાજી પરિણીતાની આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે, પોલીસે શરૂઆતથી જ આ બનાવમાં પતિને શકના દાયરામાં રાખી તપાસ કરીને લાશનું પીએમ જામનગર કરાવવા મોકલ્યું હતું. પીએમ રિપોર્ટમાં ગળે ટુંપો દઈ ને મોત નીપજાવાયું હોવાનું ખુલ્યા બાદ પોલીસે લાલ આંખ કરતાં જ પતિએ ગુનો કબૂલી લીધો હતો. પતિ દિનેશ ગોસ્વામીએ પોતે દુપટ્ટા વડે પત્નીને ગળે ફાંસો આપી મોત નિપજાવ્યું હોવાની કબૂલાત કરી હતી. દરમ્યાન મૃતક પરિણીતા હિનાબેન ના માતાએ જણાવ્યું હતું કે, બનાવના દિવસની સવારે તેમની પુત્રી એ પોતાની સાથે વાત કરી હતી. જે અનુસાર પતિના મોબાઈલમાં અન્ય યુવતીનો ફોટો અને પતિ દ્વારા તેણી સાથે ફોન પર થઈ રહેલી વાતો અંગે સવાલ કરતાં તેની સાથે પતિ મારકૂટ કરતો હોવાનું જણાવ્યું હતું. આ યુવતીનો ફોટો પણ પુત્રીએ મોકલ્યો હતો. આ અફેરને કારણે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે, આ બનાવમાં પોલીસ પણ સતર્ક હોઈ પત્ની ના મોતને આત્મહત્યા માં ખપાવવાનો પતિ નો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

(9:31 am IST)