સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

કંકોત્રીમાં લખ્યું -દીકરાના લગ્નમાં તમે જેટલો ચાંદલો કરશો તેટલા રૂપિયા ઉમેરીને સમાજસેવામાં દાન કરીશું

ભાવનગરના તણસાના જિલ્લાના ઉમાણી પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો

ભાવનગરના એક એવા પરિવારે પુત્રના લગ્નમાં એવો નિર્ણય લીધો છે કે કદાચ આજ સુધી કોઇ પરિવારે આવું વિચાર્યું નહીં હોય. ભાવનગરના તણસાના જિલ્લાના ઉમાણી પરિવારે કંકોત્રીમાં એવો મેસેજ લખ્યો છે કે અમારા પુત્રના લગ્ન પ્રસંગે આપના તરફથી આપવામાં આવેલી ચાંલ્લાની રકમમા એટલી જ રકમ ઉમેરીને અમે સામાજિક સેવા માટે ઉપયોગ કરીશું.આ અમારો એક ઉમદા કાર્યની પ્રેરણાનો નાનકડો પ્રયાસ છે.

આ આમંત્રણ પત્રિકા કંકોત્રીમાં જેમના નામનો ઉલ્લેખ હતો તેવા જાહિદભાઇ ઉમાણીએ કહ્યું કે મારા પુત્ર મનિષ ઉમાણીના 30 જાન્યુઆરી 2022ના દિવસે સુરેન્દ્ર નગરના સિંકદરભાઇની સુપુત્રી સુમન સાથે લગ્ન નક્કી કર્યા છે.

 

જાહિદભાઇ કહ્યુ કે તાજેતરમાં હું, મારી પત્ની અને મારો પુત્ર મનિષ કારમાં જઇ રહ્યા હતા ત્યારે મનિષે કહ્યું કે લગ્નમાં રિર્ટન ગિફ્ટ આપવી જોઇએ, તો મે કહ્યું કે આપણે કંકોત્રીમાં એવું લખવાનું વિચારી રહ્યા છે કે લગ્નમાં ચાંલ્લો પ્રથા બંધ રાખવામાં આવશે અને તું રિટર્ન ગિફ્ટની વાત કરે છે?. વાત વાતમાં મને વિચાર આવ્યો કે કઇંક એવું કામ કરીએ કે જેનાથી ચાંલ્લો આપનારને પણ ખુશી થાય, આપણે પણ રાજી રહીએ અને સમાજના અન્ય લોકોને પણ ફાયદો થાય. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે લગ્નમાં મહેમાન જેટલો ચાંલ્લો આપશે, તેટલી જ રકમ અમે ઉમેરીશું અને જે રકમ ભેગી થાય તે અનાથ આશ્રમ કે વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાઓને દાન કરી દઇશું.

 

જાહિદભાઇએ કહ્યું કે ચાંલ્લો આપનારને પણ એવું ફીલ થશે કે ચાલો આપણી રકમ કોઇ સારા કામમાં વપરાશે અને આપણને પૂણ્ય મળશે અને અમને પણ એવી લાગણી થશે કે બધાના સહિયારા પ્રયાસથી એક સમાજ ઉપયોગી કામ થઇ શકે.

જાહિદભાઇએ એક સરસ વાત કરી કે વર્ષો પહેલાં લગ્નમાં ચાંલ્લો કરવાની પ્રથા એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે તે વખતે લોકોની આર્થિક સ્થિતિ એટલી મજબુત નહોતી અને લગ્ન કરનાર પરિવારને થોડો સધિયારો મળી રહે એટલે લોકો ચાંલ્લો આપતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે અને લોકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે એટલે ઘણાં હવે લગ્નમાં ચાંલ્લો સ્વીકારતા નથી.

જાહિદભાઇ ઉમાણીએ કહ્યું કે મારી પોતાની બે ફેકટરી છે અને 25 વર્ષથી એગ્રીકલ્ચર પ્રોડકટ બનાવું છું. ઉપરાંત અનેક સામાજિક કામ કરતો રહુ છુ. પૈસે ટકે સક્ષમ છુ એટલે આટલી રકમ તો હું જાતે પણ દાન કરી શકું છુ, પરંતુ ચાંલ્લાના બહાને લોકો પણ સદકામમાં જોડાઇ એટલે ખોટું કરવાનો સવાલ જ નથી. બીજુ કે દરેક દાનની રસીદની માહિતી જેને જોઇતી હશે તેને મળી જશે.

જાહિદભાઇ નામ મુસલમાન જેવું લાગે છે અને પુત્રનું નામ મનિષ હિંદુ જેવું લાગે છે તો સાંભળવામાં કોઇ ભૂલ તો નથી ને? તો એમણે કહ્યું કે અમે સિનિયર આગાખાન ઇસ્માઇલી ખોજા છીએ.અમારા વડવાઓ લોહાણાં સમાજના હતા તે પછી અમે ખોજા બન્યા. પરંતુ મારા પિતાનું નામ બાબુલાલ છે એટલે નામ બરાબર મનિષ જ છે.

જાહિદભાઇએ કહ્યું કે કોરોના ગાઇડલાઇન્સ મુજબ જ અમે લગ્નમાં મહેમાને બોલાવીશું, પરંતુ એક પ્રથા છે કે અમે જેમના પ્રસંગમાં ચાંલ્લો કર્યો હોય તેઓ ભલે, લગ્નમાં આમંત્રણ ન મળ્યું છતા ચાંલ્લો કરશે. ઉપરાંત ઘણા મિત્રો અને શુભેચ્છકો પણ આ અભિયાનમાં જોડાવવા રસ દાખવી રહ્યા છે. તેમણે કહ્યું કે ચાંલ્લો અને અમારી રકમ મળીને લગભગ 4થી 5 લાખ રૂપિયા ભેગા થશે જે અમે કોઇ પણ સારા કાર્યમાં ઉપયોગ કરીશું.

(10:06 pm IST)