સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

આમરણમાં એક સાથે ૬ જગ્યાએ તસ્કરો ત્રાટકયા

રોકડ રકમ તથા મુદ્દામાલ ઉઠાવી ગયાઃ તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

આમરણઃ તસ્વીરમાં તસ્કરોએ જે દુકાનોને નિશાન બનાવેલ તે નજરે પડે છે. (તસ્વીરઃ મહેશ પંડયા-આમરણ)(૬.૧૭)

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. રપ :.. આમરણ ખાતે ગત મોડી રાત્રે મેઇન બજારમાં આવેલ ૪ દુકાનો અને ર રહેણાંક મકાનોમાં ઘુસી તસ્કરોએ ચોરી કરી હોવાનું જાહેર થયું છે. એકી સાથે ૬ સ્થળે ચોરીની ઘટનાથી લોકો ચોંકી ઉઠયા છે.

આમરણ ખાતે દરબારીવાસમાં આવેલ મુખ્ય બજારમાં રવિ રાંદલ સ્ટોર નામની કરીયાણાની દુકાન, એડવોકેટ વિમલ માનસતાની ઓફીસ, ભૂમિ ટેઇલર્સ, લક્ષ્મણભાઇ કાસુન્દ્રાની પાન-બીડીની દુકાનના શટર ઊંચકાવી તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. જેમાં ટેબલના ખાનામાં રાખેલા જુદા જુદા વેપારીની રોકડ રકમ ચોરી ગયેલ છે.

રવિ રાંદલ દુકાનમાં રૂ. ર હજાર,  એડવોકેટ માનસતાને ત્યાં પ૦૦૦ જેવી રકમની ચોરી થયાનું જણાયું છે.

જયારે બે બંધ મકાનમાં ચોરીની વિગતો મેળવાઇ રહી છે.

મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. બે દિવસ પહેલા ડાયમંડનગરમાં પણ ૪ સ્થળે ચોરી થઇ હતી. પરંતુ પોલીસ ફરીયાદ કરવામાં આવી ન હતી.

(1:28 pm IST)