સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

શિયાળામાં જોડિયા પંથકમાં વાડીઓમાં ઘુટા પાર્ટીની મોજ માણતા સ્વાદપ્રેમીઓ

કોઇપણ જાતના મરી-મસાલા વગર બનતી વાનગી બાજરાના રોટલા - બ્રેડ સાથે ખાવાની મોજ અલગ જ

 શિયાળાની ઠંડીમાં જામનગરના જોડિયા પંથકમાં ઘુટા પાર્ટીઓ વાડી વિસ્તારમાં જામી છે, સ્વાદ પ્રેમીઓ માટે જોડિયાનો ઘુટો આરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે. ત્યારે કેસીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ૩૩ જાતના લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવતા ઘુટાની સ્વાદપ્રેમીઓ લિજ્જત માણી રહ્યા છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ : શિયાળાની કડકડતી ફૂલગુલાબી ઠંડી જામી છે. ત્યારે જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાદ પ્રેમીઓ ઘુટા પાર્ટી યોજી રહ્યા છે. ૩૩ જેટલા શિયાળુ શાકભાજી ના મિશ્રણ થી બનાવાતો ઘુટો સ્વાસ્થ્ય માટે પણ શિયાળામાં ટોનિક સ્વરૂપે લોકો આરોગતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગરના જોડીયા પંથકનો ઘૂટો આરોગવાનો પણ એક લ્હાવો હોય છે. અને શિયાળાની શરૂઆત થતાં જ ઘુટા પાર્ટીઓ ગ્રામ્ય વિસ્તારના વાડીમાં યોજાતી હોય છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા કેશીયા, બાદનપર અને આ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં શિયાળાની શરૂઆતથી જ ઘુટા પાર્ટીઓ જામી છે. હાલ કડકડતી ઠંડી વચ્ચે કેશીયા ગામના વાડી વિસ્તારમાં સ્થાનિકો સ્વાદ પ્રેમીઓનો સાથે કોઈપણ જાતના મરી-મસાલા વગર માત્ર ૩૩ જાતના શાકભાજીથી બનતા ઘુટા સાથે બાજરાના રોટલા અને બ્રેડ સાથે સ્વાદ માણી રહ્યા છે.

ઘુટો એક શિયાળા મા આરોગવા માટેનું ટોનિક છે. ઘુટો જોડિયા વિસ્તારનો ફેમસ છે. ઘુટો બનાવવા માટે ૩૩ જાતના લીલા શાકભાજી નો ઉપયોગ કરાઈ છે. ભીંડો અને કારેલા સિવાયના ચિકાસ અને કડવાસ વગરના બધા જ શાકભાજી નાખવામાં આવે છે. ઘુટામાં ખાસ તેલ મરી મસાલા નાખવામાં આવતા નથી. ઘુટો બનાવવા માટે પકાવવા માટે ઓછામાં ઓછી ૪ થી ૫ કલાકનો સમય લાગે છે. લીલા શાકભાજી નું કટિંગ કરીને ઊકળતા પાણીમાં શાકભાજી નાખીને ઘુટો બનાવવામાં આવે છે. તેમાં લીલા શાકભાજી સિવાય બીજું કંઈ નાખવામાં આવતું નથી ઘુટાની સાથે બાજરાનો રોટલો, માખણ, સલાડ, પાપડ, ચટણી સાથે લોકો મનભરીને ખાવાની મજા માણે છે.

ભારતના વડાપ્રધાન અને ગરવા ગુજરાતી મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી પણ ઘુટો આરોગેલ હતો. અને ડોકટરો દ્વારા પણ કહેવામાં આવે છે કે, ઘુટો ખાવાથી માણસોને શરીરમાં કોઈપણ જાતની નુકસાની થતી નથી. અને ટોનીક તરીકે શિયાળામાં આરોગવાથી શરીરમાં ફાયદો પણ થાય છે. પાચન કરવામાં પણ ઘુટો સહેલો હોય છે. જોડીયા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના વાડીઓમાં આ પ્રખ્યાત ખાણું ઘુટાની લિજ્જત દર બે-ચાર દિવસે થતી હોય છે.(૨૧.૨૪)

ઘુટામાં વપરાતા ૩૩ શાકભાજી

૧) બટાકા, ૨) રીંગણા, ૩) ટામેટા, ૪) ફલાવર, ૬) કોબી, ૭) દૂધી, ૮) ઘીસોડા,  ૯) ગાજર, ૧૦) લીલી મરચી, ૧૧) પપૈયા, ૧૨) વાલોર, ૧૩) સુકી ડુંગળી, ૧૪) લીલી ડુંગળી, ૧૫) લીલી તુવેર, ૧૬) લીલા વટાણા, ૧૭) ચોરી, ૧૮) સુરણ, ૧૯) પાકા કેળા, ૨૦) સફરજન, ૨૧) મરચા, ૨૨) પાલક, ૨૩) મેથી, ૨૪) દેશીકોથમરી, ૨૫) આદુ,  ૨૬) સેવજીણી, ૨૭) સીંગદાણા, ૨૮) પીસેલી મગફળી, ૨૯) દાળ, ૩૦)ચણા દાળ, ૩૧) લીલુ લસણ, ૩૨)કાકડી, ૩૩)લીંબુ

(1:12 pm IST)