સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

ભાવેણાની તાપીબાઇ વિકાસ ગૃહ સંસ્થા દ્વારા લાપતા માતાનું પુત્ર સાથે ભાવ-મિલન : આધારકાર્ડ બન્યું આધાર

સાત માસ પૂર્વે બિહારમાં આવેલા જમુઇ ગામે પોતાના પિયર જવાના બદલે આસનસોલ ટ્રેનમાં બેસી ભુલથી ભાવનગર આવી ગયેલા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : બનાવની વિગત એવી છે કે, ભાવનગર આવતી આસનસોલ ટ્રેનમાંથી ગત તા.૨૦ જુન,૨૦૧૧ના રોજ રેલવે પોલીસને એક અજાણી મહિલા મળી આવ્યા હતા. જે સ્થાનિક ભાષાથી અજાણ હોવા સાથે નિરાશ્રિત હોવાનું માલુમ પડતાં તેમને વિદ્યાનગર સ્થિત તાપીબાઈવિકાસગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.જયાં  આશરો આપ્યો હતો. જો કે, મહિલાની ભાષા સ્થાનિક કક્ષાએથી સમજાઈ તેવી ન હોય અને સામાપક્ષે મહિલા ગુજરાતી કે અન્ય ભાષા સમજી શકતા ન હોવાથી ટ્રસ્ટીઓને તેના વાલી વારસા,પરિવારની વિગત મેળવવામાં ભારે તકલીફ પડી હતી. દરમિયાનમાં ગત તા.૩૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સંસ્થાની મુલાકાતે આવતાં તેમણે ભાજપના ભાષાભાષી સેલના અક્ષય માથુર સહિતના સભ્યોને સાથે રાખીને આ મહિલાની ભાષા સમજવા તજવીજ હાથ ધરી હતી. આ તરફ ભાવનગર પોલીસની મદદથી ટ્રસ્ટીઓએ મહિલાની ફિંગર પ્રિન્ટના આધારે આધારકાર્ડની વિગત મેળવવા પ્રયાસ કર્યો હતો.

તપાસમાં એવી હકીકત સામે આવી કે ઝારખંડના ગીરીદીહ વિસ્તારમાં રહેતા કમલીદેવી પોતાના પતિના અવસાન બાદ બિહારના જમુઈમાં ખાતે આવેલાં પિયર જવા નિકળ્યા હતા. પરંતુ ભુલથી મન ની પરિસ્થિતીની સંવેદશીલ હોય આસનસોલ ટ્રેનમાં બેસી જતાં ભાવનગર આવી ગયાનું ખુલ્યું હતું. જેના આધારે મહિલાના પરિવારનો સંપર્ક ત્યાં ની સામાજિક સંસ્થા મારફત કરાયો હતો. જયાં સાત માસથી લાપતા માતાનો પત્તો મળ્યાની જાણ થતાં જ તેમના દિવ્યાંગ પુત્ર ગુડુકમારની આંખો હર્ષના આસુંથી છલકાઈ ગઈ હતી. ભાવનગર એસ.પી.ને તાપીબાઇ વિકાસગૃહ દ્વારા આ કમલિદેવીને તેણીના ઘરે ઝારખંડ સુધી પહોંચાડવા માટે મદદ માંગતા ભાવનગર પોલીસ દ્વારા મહિલા પોલીસ સાથે તેણીને તેના વતન પહોંચાડવા તૈયારી દર્શાવી હતી. તેવામાં ઝારખંડની તે સામાજિક સંસ્થાના માધ્યમથી અને તે સંસ્થા સાથે સતત સંપર્ક માં રહી અને તેમના પરિવાર અને કમલિદેવીના પુત્ર સાથે વિડીયો કોલથી તેની માતા સાથે વાત કરાવતા પોતાની માતાની સારી દેખભાળ અને તંદુરસ્તી જાણી પોતાની માતાને રૂબરૂ લેવા આવવા ઈચ્છા જણાવતા પરંતુ તેની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાવતા તાપીબાઈ વિકાસ ગૃહના ટ્રસ્ટી ગીતાબેન ગિરીશભાઇ વાઘાણી એ તેમની તથા તેમની માતાના આવવા જવાના ખર્ચ તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા આપવાનું જણાવતા અંદાજે સાત માસ બાદ આજે તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે કમલિદેવીના પુત્ર ગુડુકુમાર આવતાં માતા-પુત્ર વચ્ચે મિલનના ભાવુક અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

આ તકે, ગુડુકમારે તેમની માતાની દેખભાળ રાખવા બદલ વિકાસગૃહના તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યકત કર્યો હતો. તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી ગણ વતી ટ્રસ્ટી ડો. ગિરીશભાઇ વાઘાણી, ગૃહમાતા સ્મિતાબેન , કાજલબેન તથા સંસ્થાની અન્ય દીકરીઓ અને સમગ્ર કર્મચારીઓએ માતા પુત્રને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે સાથે પૂરતો સૂકો નાસ્તો વિગેરે સાથે સજળ આંખે તેમના સ્વગૃહે જવા રવાના કર્યા હતા.

(1:07 pm IST)