સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

રાજ્યની દરેક ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયત બને તો રાજકીય ક્ષેત્રે મહિલાઓનું સ્થાન વધુ મજબૂત બનશે : રાજ્યમંત્રી મનીષાબેન વકીલ

કચ્છમાં બાલિકા દિનની ઉજવણી પ્રસંગે બાલિકા પંચાયતના પ્રયાસોને લાભદાયી ગણાવતા મહિલા બાળ કલ્યાણ મંત્રી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભુજ મઘ્યે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ કલ્યાણ રાજય કક્ષાના મંત્રીશ્રી મનિષાબેન વકીલે વર્ચુઅલ પરિસંવાદ કરતાં જણાવ્યું હતું કે, 'આપણા લોક લાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મહિલાઓને સમાજમાં મોખરાનું સ્થાન મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ છે. મહિલાઓને સશકત બનાવવાના ઉદ્દેશથી ૨૦૧૫માં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી જે આપણી દિકરીઓ માટે ખૂબ જ સારું પગલું છે આનાથી મહિલાઓના જીવનમાં ખુબ જ બદલાવ આવ્યો છે. અને મહિલાઓને સમાજમાં મહત્વનું સ્થાન મળ્યું છે.'

આ તકે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 'મહિલા કે દિકરી કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત ન રહીને તમામ ક્ષેત્રમાં આગળ આવે તે માટે હંમેશા રાજય સરકાર તત્પર રહી છે.'

વધુમાં મંત્રીશ્રીએ કચ્છ જીલ્લામાં શરૂ કરાયેલી બાલિકા પંચાયતની કામગીરીને બિરદાવી હતી. અને તેમણે જણાવ્યું હતુ કે, 'ગુજરાતની દરેક ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની શરૂઆત થશે તો દીકરીઓ રાજકીય ક્ષેત્રે ખુબજ આગળ વધશે. જેનાથી દીકરીઓ પોતાના હક્કો વિશે જાણકારી મેળવી આત્મનિર્ભર બનશે. વર્તમાન સમયમાં મહિલાઓ સશકત, તંદુરસ્ત અને આત્મનિર્ભર બને તે માટે રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.'

આ પ્રસંગે કચ્છ જીલ્લા મહીલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ જણાવ્યું હતુ કે, 'જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાનેથી બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અમલમાં છે તેમાં કચ્છ જીલ્લામાં અનેકવિધ પહેલ કરવામાં આવી છે જેવી કે ઘર કી પહેચાન બેટીઓ કે નામ, મિશન-ખાખી, બાલિકા પંચાયત જેવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.'

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, 'ઘર કી પહેચાન બેટીઓ કે નામ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓના ઘરે દીકરીના નામની નેમપ્લેટ લગાવવામાં આવે છે, મિશન ખાખી કાર્યક્રમ અંતર્ગત જે દિકરીઓ પોલીસ વિભાગમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતી હોય તેમને શારીરિક ટ્રેનિંગ પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાનેથી આપવામાં આવે છે, અને બાલિકા પંચાયતનો નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જે કચ્છ જિલ્લાના ચાર ગામોમાં હાલ કાર્યરત છે જેનાથી તેઓ પંચાયત રાજની વ્યવસ્થા જાણે અને રાજકારણ ક્ષેત્રે આગળ આવી રાજકીય વહીવટી પ્રક્રિયામાં ભાગીદાર બને તે હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે બાલિકા પંચાયતની સરપંચ દિકરીઓ અને જે ચાર ગામોમાં બાલિકા પંચાયત ચાલે છે તે ગામના ઉપસરપંચો અને સભ્યો પણ હાજર રહ્યા હતા.

(11:44 am IST)