સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

જુનાગઢમાં ર૦૧૭માં પ.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ ૪ વર્ષે પારો ગગડયો ૬.૧ ડિગ્રી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપ : ગિરનાર અને જુનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા સૌ ઠુંઠવાઇ ગયા છે જુનાગઢમાં ૪ વર્ષ પછી ૬.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. છેલ્લે ર૦૧૭માં જુનાગઢમાં પ.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સોરઠમાં આજે પણ કોલ્‍ડવેવ રહેતા કાતિલ ઠંડી અને ઠારને લઇ લોકો ઠુઠવાય ગયા હતા. જુનાગઢના ગિરનાર પર્વતન પર આજે રોકોર્ડ બ્રેક ૧.૧ ડિગ્રી ઠંડીથી સમગ્ર પર્વત ટાઢોબોળ થઇ ગયો હતો.
જુનાગઢ સહિતના વિસ્‍તારોમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૮.ર ડિગ્રી રહ્યા બાદ આજે પણ પારો નીચે સરકીને ૬.૧ ડિગ્રીએ સ્‍થિર થતા સમગ્ર સોરઠ વિસ્‍તારમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી.
ર.૧ ડિગ્રી ઠંડી વધવાની સાથે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહેવાને કારણે ઠંડી વધુ કાતિલ બની હતી.
જુનાગઢનાં ગિરનાર પર્વત પર આજે રેકોર્ડ બ્રેડ ૧.૧ ડિગ્રી તાપમાન નોંધાતા ગિરનાર પર્વત તેમજ તેના જંગલ વિસ્‍તારમાં કાશ્‍મીર જેવું વાતાવરણ થઇ ગયું હતું.
સતત બીજા દિવસે પણ બોકાસો બોલાવતી ઠંડીને લઇ વન્‍ય જીવો ફફડી ઉઠયા હતા.
આજની ઠંડીથી ગિરનાર પર્વત ખાતેનાં જળષાોત બરફ જેવા થઇ ગયા હતા.
આજે સવારે ૩.ર કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકો વધુ મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતા.

 

(11:31 am IST)