સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

કાલે શાનથી લહેરાશે ત્રિરંગો : પ્રજાસત્તાક પર્વ ઉજવવા થનગનાટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધ્વજવંદન, પ્રભાત ફેરી, રાષ્ટ્રભકિતના ગીતોનું ગાયન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ,તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે પ્રજાસતાક પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. કાલે સર્વત્ર શાનથી ત્રિરંગો લહેરાશે અને સૌ કોઇ તેમાં જોડાશે.

કાલે ધ્વજવંદન, પ્રભાત ફેરી, રાષ્ટ્રભકિતના ગીતોનું ગાયન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબીમાં ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.  ભારતના ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આગામી તા. ૨૬ને બુધવારના રોજ સવારે ૯ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેઇલ રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે યોજાનાર છે.

રાજુલા

રાજુલા : બુધવારે પ્રજાસતાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી નવી પ્રાંત કચેરી રાજુલાના પટાંગણ ખાતે કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સરકારીશ્રીની કોરોના અંગેની સુચના મુજબ બહોળી સંખ્યામાં એકત્રીત થયા વગર સોશ્યલ ડિસ્ટસીંગ સાથે હર્ષભેર કરવા રાજુલા તાલુકાના વધુમાં વેપારી મિત્રો, વાણિજ્ય અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને પ્રજાસત્તાક દિન પ્રસંગે પોતાની દુકાન તેમજ પોતાના એકમો ઉપર રોશની કરી, જરૂરી સુશોભન કરવા અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉત્સાહસભર કરવાર અનુરોધ કરાયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : ૭૩માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ કવાર્ટર, જામનગર ખાતે બુધવાર, તા. ૨૬મી જાન્યુઆરીના રોજ સવારે ૯ કલાકે કરવામાં આવશે. આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ધ્વજવંદન કરાવી સલામી ઝીલશે. ધ્વજવંદન બાદ મંત્રીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાશે ત્યારબાદ કોરોના વોરિયર્સને વેકસીનનો પ્રિકોશન ડોઝ અપાશે અને કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ વગેરે જેવા કાર્યક્રમો રાષ્ટ્રભકિતના વાતાવરણમાં યોજવામાં આવશે.

(10:20 am IST)