સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 25th January 2022

વાંકાનેરમાં પ્રેમીપંખીડાએ સજોડે ઝેર પીધું: પ્રેમીકા રીટાએ દમ તોડયો, પ્રેમી દેવરાજની હાલત ગંભીર

યુવતિના સાથળમાં છરીનો ઘા પ્રેમીએ ઝીંક્‍યો કે અન્‍ય કોઇએ? તે અંગે વાંકાનેર પોલીસની તપાસ : ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમમાં રીટાનું મોત છરીના ઘાથી નહિ, ઝેરથી થયાનું ખુલ્‍યું: પણ ઇજા કોણે પહોંચાડી તે રહસ્‍ય : હોસ્‍પિટલના બિછાને રહેલો પ્રેમી દેવરાજ બોલી શકતો નથીઃ માથુ ધુણાવી છરી નહિ ઝીંક્‍યાનું કહે છેઃ તો પ્રેમિકા રીટાને છરી કોણે ઝીંકી?: મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ : ધમલપરની કોળી યુવતિ રીટા ગઇકાલે પરિવારજનો સાથે વાંકાનેર મામાને ત્‍યાં લગ્ન પ્રસંગમાં આવી હતીઃ મામાની બાજુમાં રહેતાં દેવરાજ કોળી સાથે પ્રેમ હતો

મોતને ભેટેલી રીટા અબાસણીયા અને સારવારમાં રેહલો દેવરાજ માનસુરીયા
રાજકોટ તા. ૨૪: વાંકાનેરના આરોગ્‍યનગરમાં ગાયત્રીમંદિર પાસે એક રહસ્‍ય સર્જતી ઘટના બની છે. જેમાં કોળી યુવાન અને તેની પ્રેમીકા ધમલપરની કોળી યુવતિ બેભાન જેવી હાલતમાં મળતાં બંનેને વાંકાનેર હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ યુવતિનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તેણે ઝેરી દવા પીધાનું ખુલ્‍યું હતું. જ્‍યારે યુવતિના ડાબા સાથળમાં છરી જેવો ઉંડો ઘા જેવો મળ્‍યો હોઇ તેનું મોત છરીના આ ઘાથી થયું કે ઝેરથી તે જાણવા વાંકાનેર પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું છે. જેનો રિપોર્ટ આવતાં સ્‍પષ્‍ટ થયું છે કે રીટાનું મોત ઝેરથી થયું છે. સાથળમાં જે ઇજા છે તે તિક્ષ્ણ હથીયારથી થઇ છે, પણ તેનાથી મોત થાય તેવો ઘા નથી. ત્‍યારે હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ઇજા રીટાને કોણે પહોંચાડી?
જાણવા મળ્‍યા મુજબ ધમલપર રહેતી રીટા રાજુભાઇ અબાસણીયા (ઉ.વ.૨૦) નામની કોળી યુવતિ ગઇકાલે પરિવારજનો સાથે વાંકાનેર આરોગ્‍યનગર ગાયત્રી મંદિર પાસે રહેતાં પોતાના મામા ગોપાલભાઇને ત્‍યાં લગ્ન પ્રસંગ હોઇ તેમાં હાજરી આપવા આવી હતી. તેણીના મામાના ઘરની બાજુમાં જ દેવરાજ જેન્‍તીભાઇ માનસુરીયા (ઉ.૨૦) નામનો કોળી યુવાન રહે છે. સાંજે સાતેક વાગ્‍યે રીટા અને દેવરાજ બંને બેભાન જેવી હાલતમાં મળતાં પરિવારજનો આકુળ વ્‍યાકુળ થઇ ગયા હતાં અને વાંકાનેર હોસ્‍પિટલે ખસેડયા હતા. પ્રારંભે બંનેએ ઝેરી દવા પીધાનું જણાયું હતું. વધુ સારવાર માટે બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
પરંતુ અહિ યુવતિ રીટાનું મોત નિપજ્‍યું હતું. તબિબે તપાસ કરતાં યુવતિ રીટાના ડાબા સાથળમાં છરી કે બીજા કોઇ તિક્ષ્ણ હથીયારથી થયેલી ઇજા જણાઇ હોઇ પોલીસ ચોકીમાં જાણ કરતાં હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. જેમાં દેવરાજે ઝેરી દવા પીતાં તેને દાખલ કરવામાં આવ્‍યાનું અને રીટાને ઇજાગ્રસ્‍ત હાલતમાં લાવવામાં આવી હોઇ તેનું મોત નિપજ્‍યાની નોંધ કરાવવામાં આવી હતી.
મૃત્‍યુ પામનાર રીટા એક ભાઇ ચેતનથી નાની હતી. તેનો ભાઇ ચેતન પ્રાઇવેટ નોકરી કરે છે. પિતા રાજુભાઇ ભીમાભાઇ અબાસણીયા હયાત નથી. માતાનું નામ ભાનુબેન છે. રીટા પોતે અજંતા કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતી હતી. રીટાના ભાઇ ચેતનભાઇએ કહ્યું હતું કે અમારી બહેનને શું થયું છે એ અમને ખબર નથી. બીજી તરફ ઝેર પી લેનાર દેવરાજ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તે ત્રણ બહેન અને બે ભાઇમાં ત્રીજો છે અને સિરામીક કંપનીમાં નોકરી કરે છે. દેવરાજ બોલી શકતો નથી પણ તેની પુછતાછ કરતા તેણે માથુ ધુણાવી હા નામાં જવાબો આપ્‍યા હતાં. રીટા સાથે ત્રણેક વર્ષથી પોતાને પ્રેમ હોવાનું તેણે કહ્યું હતું. રીટાને પોતે છરી નહિ ઝીંક્‍યાનું પણ બંનેએ ઝેર પીધાનું પણ તેણે ઇશારાથી કહ્યું હતું. પ્રેમ કરતાં હોઇ પણ લગ્ન કરી એક નહિ થઇ શકાય તેમ લાગતાં બંનેએ સજોડે ઝેર પીધાની શક્‍યતા જણાઇ રહી હતી. એ સાચી ઠરી છે. પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટમાં રીટાનું મોત ઝેરથી થયાનું સ્‍પષ્‍ટ થયું છે.
જો કે રીટાના સાથળમાં ઇજાનું જે નિશાન છે એ કરી રીતે થયું? રીટાને કોઇએ છરી કે બીજા હથીયારથી આ ઇજા શા માટે પહોંચાડી? તેની તપાસ થઇ રહી છે.

 

(11:35 am IST)